દિલ્હી: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ સક્રિય રાજનીતિથી દૂર જવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે તેમને રાજકારણમાં રસ નથી. નિલેશ રાણેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ માહિતી આપી હતી. નિલેશ રાણેએ કહ્યું કે રાજકારણ છોડવાનું બીજું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને ભાજપ તરફથી આટલો પ્રેમ મળ્યો અને ભાજપ જેવા સંગઠનમાં કામ કરવાની તક મળી.
નિલેશ રાણેએ ‘X પર લખ્યું, નમસ્કાર,હું સક્રિય રાજનીતિથી સ્થાયી રૂપથી અલગ થઈ રહ્યો છું. હવે રાજનીતિમાં કોઈ રુચિ રહી નથી,બાકી બીજું કોઈ કારણ નથી.હું તમારા બધાનો ખૂબ જ આભારી છું, જેમણે છેલ્લા 19-20 વર્ષમાં મને આટલો પ્રેમ આપ્યો અને મારી સાથે રહ્યા. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને ભાજપમાં આટલો પ્રેમ મળ્યો અને મને ભાજપ જેવા મહાન સંગઠનમાં કામ કરવાની તક મળી
તેણે આગળ લખ્યું, “હું નાનો માણસ છું, પણ રાજકારણમાં ઘણું શીખ્યો. કેટલાક સાથીઓ કાયમ માટે એક પરિવાર બની ગયા, હું જીવનમાં હંમેશા તેમનો ઋણી રહીશ. મને હવે ચૂંટણી વગેરે લડવામાં રસ નથી. ટીકાકારો ટીકા કરશે, પરંતુ જ્યાં મને એવું ન લાગે ત્યાં મને મારો અને અન્ય લોકોનો સમય બગાડવો ગમતો નથી . જો મારાથી અજાણતા કેટલાક લોકોને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માંગુ છું. તમને બધાને મારી શુભેચ્છાઓ.”
જ્યારે નિલેશ રાણે કોંગ્રેસ પાર્ટીમાં હતા, ત્યારે તેમણે રત્નાગિરી સિંધુદુર્ગ લોકસભા મતવિસ્તારમાંથી 2009માં 15મી લોકસભાની ચૂંટણી લડી હતી અને જીતી હતી. નિલેશ રાણે પણ 2014માં આ જ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તે સમયે તેઓ શિવસેનાના નેતા વિનાયક રાઉત સામે હારી ગયા હતા. રાણે 2009 થી 2017 સુધી કોંગ્રેસ પાર્ટીમાં હતા. આ પછી, તેઓ વર્ષ 2019 માં ભાજપમાં જોડાયા હતા.