મુંબઈઃ મહારાષ્ટ્રમાં ગુપ્ત ખજાના અંગે તાંત્રિકની લાલચમાં ફસાયેલો શખ્સ પોતાની 18 વર્ષની દીકરીની બલી આપવા તૈયારી કરી રહ્યો હતો. એટલું જ નહીં ઘરમાં દીકરીને દફનાવવા માટે ખાડો ખોદયો હતો. જો કે, સમગ્ર ઘટના અંગે પીડિતાએ પોતાના મિત્રને જાણ કરતા સમગ્ર ઘટના પોલીસ સમક્ષ પહોંચી હતી અને પોલીસે પીડિતાના પિતા અને તાંત્રિક સહિત 9 આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આમ આરોપીઓ ગુપ્ત ખજાના માટે દીકરીની બલી આપવાના કાવતરાને અંજામ આપે તે પહેલા જ પોલીસે આરોપીઓને પકડી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં છુપાયેલ ખજાનો મેળવવા માટે 18 વર્ષની દીકરીની બલિ આપવાના પ્રયાસ બદલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પીડિતાના પિતા, એક તાંત્રિક અને અન્ય સાત લોકોની ધરપકડ કરી છે. યવતમાલના પોલીસ અધિક્ષક દિલીપ ભુજબલ પાટીલે જણાવ્યું હતું કે એક આરોપીએ તેની બે દીકરીઓમાંની મોટી દીકરીનું યૌન શોષણ થવાનું મનાઈ રહ્યું છે. વિદ્યાર્થિની અભ્યાસ માટે એક સંબંધી સાથે રહેતી હતી અને હાલમાં જ મદની ગામમાં તેના ઘરે આવી હતી. અધિકારીએ જણાવ્યું કે આરોપીએ છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાં તાંત્રિક વિધિ કરવાનું શરૂ કરી દીધું હતું અને 25 એપ્રિલે તેની દીકરીને દફનાવવા માટે ઘરમાં ખાડો ખોદી નાખ્યો હતો.
તેમણે કહ્યું કે પીડિતાએ કોઈક રીતે તેના મિત્રને આ વિશે જાણ કરી હતી, જેથી સમગ્ર ઘટના પોલીસ સમક્ષ પહોંચી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.