મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ મોરેશિયસની મુલાકાતે – દ્વિપક્ષીય સંબંધોને લઈને MOU પર હસ્તાક્ષર
- મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ મોરેશિયસ પ્રવાસે
- દ્વિપક્ષીય સંબંધોને લઈને MOU પર હસ્તાક્ષર
મુંબઈઃ- મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ દિવસોમાં મોરેશિયસની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન ડેપ્યુટી સીએમ મોરેશિયસના વડાપ્રધાન પ્રવીણ કુમાર જુગનાથ અને રાષ્ટ્રપતિ પૃથ્વીરાજ સિંહ રૂપનને મળ્યા હતા. તેમજ મહારાષ્ટ્ર અને મોરેશિયસ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અંગે સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.
શુક્રવારે ઈન્ડો-મોરેશિયસ બિઝનેસ ફોરમ દ્વારા આયોજિત કોન્ક્લેવમાં તેમની સાથે વાતચીત કરતા મોરેશિયસના ઉદ્યોગોને મહારાષ્ટ્રમાં રોકાણ કરવા આગળ આવવા અપીલ કરી હતી. તેમણે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.આ સાથે જ મહારાષ્ટ્ર અને મોરેશિયસ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ અને વેપાર વધારવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઈકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ મોરેશિયસ અને મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આ પગલું મહારાષ્ટ્ર અને મોરેશિયસ વચ્ચે મજબૂત કનેક્ટિવિટી અને વ્યાપારી સંબંધોનો માર્ગ મોકળો કરશે.મહારાષ્ટ્ર અને મોરેશિયસ વચ્ચેના દ્વિપક્ષીય રોકાણોમાં વધારો, દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવું, તેના માટે પ્રણાલી વિકસાવવી, સંસ્થાકીય સહયોગને પ્રોત્સાહન આપવું, ક્ષમતા નિર્માણના પગલાં અને આર્થિક સહયોગમાં વધારો એ એમઓયુના કેટલાક ઉદ્દેશ્યો છે આ બાબતે ફડણવીસે ટ્વીટ કર્યું હતું કે, “અત્યંત ગર્વ અને આનંદ સાથે, મોરિશસના ટાપુ દેશ મોરિટસમાં મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ, મોરિશિયન પીએમ પ્રવિંદ જુગનાથ સાથે,”
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મોરેશિયસના મોકા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે તેમણે મોરેશિયસમાં મહારાષ્ટ્ર ભવનના વિસ્તરણ માટે મોરેશિયસ મરાઠી મંડળી ફેડરેશનને 8 કરોડ રૂપિયા અને 10 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની પણ જાહેરાત કરી હતી.