Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ શિંદે સરકારથી નારાજ વિધાનસભાના ડે.સ્પીકરે કર્યું ચોંકાવનારુ પગલું

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલે શુક્રવારે એક આઘાતજનક પગલું ભર્યું અને મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. જો કે, સેફ્ટી નેટના કારણે તેમનો બચાવ થયો હતો. સુરક્ષાકર્મીઓ અજિત પવાર જૂથના ધારાસભ્ય ઝિરવાલને બચાવવા માટે સખત પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ધનગર સમાજને એસટી ક્વોટા હેઠળ અનામત આપવાનો વિરોધ કરતી વખતે તેમણે મંત્રાલયના ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. તેમણે કહ્યું કે, તેમની માંગણીઓ સાંભળવામાં આવી રહી નથી, તેથી ગુસ્સામાં તેમણે મંત્રાલય છોડી દીધું. મહારાષ્ટ્રમાં આદિવાસી ધારાસભ્યો છેલ્લા ચાર દિવસથી નારાજ દેખાઈ રહ્યા છે. આજે  કેબિનેટ દિવસ છે અને તમામ ધારાસભ્યો સીએમ એકનાથ શિંદેને મળવાના હતા, પરંતુ ઘણા પ્રયાસો છતાં તેઓ આજે મુખ્યમંત્રીને મળી શક્યા ન હતા. આવી સ્થિતિમાં નારાજ ધારાસભ્ય પોતાની જ સરકારના વિરોધમાં કૂદી પડ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, નરહરિ ઝિરવાલ બે દિવસ પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા, પરંતુ તેઓ ત્યાં પણ તેમને મળી શક્યા ન હતા. આ પછી તેઓ આજે ફરી મંત્રાલય પહોંચ્યા હતા. મહારાષ્ટ્રની શીંદે સરકારના આગેવાનોએ આ પગલુ ભરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.