મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે તમામ રાજકીય પક્ષોનું ફોકસ ચૂંટણી પ્રચાર પર છે. શિવસેના શિંદે જૂથ સાથે સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ પોતાની મજબૂત હાજરી સ્થાપિત કરવા પ્રચારનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત પાર્ટી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત તેના અન્ય મોટા નેતાઓને પણ મેદાનમાં ઉતારશે. ભાજપના સ્ટાર પ્રચારકો વિશાળ સભાઓ અને રેલીઓને ગજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ અને નીતિન ગટકરી 40 જેટલી સભાઓ ગજવશે. આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ, સીએમ યોગી અને અમિત શાહ પણ પાર્ટી માટે મત માંગશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપા પીએમ નરેન્દ્ર મોદી પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ, મુંબઈ-કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં કુલ 8 સભાઓ કરવાની યોજના ધરાવે છે. બીજી તરફ, વધુ જાહેર સભાઓની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી અને ચંદ્રશેખર બાવનકુલે પર રહેશે. પૂર્વાંચલના મતદારો, ખાસ કરીને મહારાષ્ટ્રમાં રહેતા હિન્દુ મતદારોને આકર્ષવા માટે ભાજપ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું મજબૂત સમર્થન પણ લેવા જઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રમાં 15 સભા કરશે. મહારાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ, અમિત શાહ 20, નીતિન ગટકરી 40, દેવેન્દ્ર ફડણવીસ 50, ચંદ્રશેખર બાવનકુળે 40 અને યોગી આદિત્યનાથ 15 જેટલી સભાઓ ગજવશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. અહીં નોમિનેશનની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર હતી. આવી સ્થિતિમાં તમામ બેઠકો પર મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે આ વખતે મહાવિકાસ અઘાડી અને મહાયુતિ ગઠબંધન વચ્ચે ખૂબ જ કઠોર મુકાબલો થવાની આશા છે.