મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે લગભગ આઠ હજાર ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. આ ઉમેદવારોમાં મુખ્ય રાજકીય પક્ષો શાસક તેમજ વિપક્ષી છાવણીના ઉમેદવારોનો સમાવેશ પણ થાય છે, ગઈકાલે પૂર્ણ થયેલી પ્રક્રિયાના અંતે 288 વિધાનસભા બેઠકો માટે આ નામાંકન દાખલ કરાયા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 20મી નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે 7 હજાર 995 ઉમેદવારોએ ચૂંટણી પંચ પાસે 10 હજાર 905 નામાંકન દાખલ કર્યા છે.
ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત 22મી ઓક્ટોબરથી થઈ હતી. ઉમેદવારી પત્રોની ચકાસણી આજે થશે અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ચાર નવેમ્બર છે. દરમિયાન ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા અને મહારાષ્ટ્રમાં એક તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે આજે નામાંકનોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ઝારખંડમાં 20મી નવેમ્બરે આ તબક્કામાં 38 મતવિસ્તારો માટે મતદાન થશે. ઉમેદવારો 1લી નવેમ્બર સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.