Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ BMC સહિતની અન્ય કોર્પોરેશનની ચૂંટણી 18મી ઓગસ્ટે યોજાશે !

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે ઉદ્ધવ ઠાકરેને સત્તા છોડવી પડી હતી અને શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે સમર્થકો સાથે મળીને ભાજપની મદદથી સરકાર બનાવી છે. દરમિયાન આગામી દિવસોમાં યોજનારી બીએમસીની ચૂંટણીને લઈને કવાયત શરૂ થઈ છે. બીએમસી સહિત અન્ય મ્યુનિ કોર્પોરેશનોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આગામી 18મી ઓગસ્ટે મતદાન યોજાશે અને 19મી ઓગસ્ટના રોજ મતગણતરી કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર BMCએ પોતાની વેબસાઈટ પર પહેલાથી જ ચૂંટણી મતદાર યાદી જાહેર કરી હતી. ચૂંટણી વિભાગે BMC ચૂંટણી માટે 236 વોર્ડ મુજબની મતદાર યાદી પ્રકાશિત કરી છે. આ વર્ષે 7,12,925 નવા મતદારો યાદીમાં સામેલ થયા છે. 2017માં મુંબઈમાં મતદારોની સંખ્યા 91,64,125 હતી, પરંતુ 2022માં કુલ મતદારોની સંખ્યા 98,77,050 છે.

2017ની સરખામણીમાં નવા મતદારોની સંખ્યામાં 7,12,925 નો વધારો જોવા મળ્યો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 53 લાખ 54 હજાર 916, મહિલા મતદારોની સંખ્યા 45 લાખ 21 હજાર 251 અને અન્ય મતદારોની સંખ્યા 883 છે. 2017ની સરખામણીમાં નવા મતદારોની સંખ્યામાં 7,12,925નો વધારો થયો છે.

મુંબઈ મહાનગરપાલિકામાં 227 વોર્ડ હતા. જેમાં 9 બેઠકો વધીને 236 થઈ છે. સામાન્ય જનતા માટે 110 વોર્ડ આરક્ષિત છે. આ ઉપરાંત મહિલાઓ માટે અનામત વોર્ડ 109 છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 7 અને અનુસૂચિત જાતિ (સ્ત્રી) માટે 8 અનામત છે. આ સાથે અનુસૂચિત જનજાતિ માટે 1 અનામત છે.

4 મેના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ BMCને આગામી ચૂંટણીઓ માટે આગળની પ્રક્રિયા હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો. 30 મેના રોજ, BMCએ બાંદ્રાના રંગશારદા ઓડિટોરિયમમાં ચૂંટણી વોર્ડ આરક્ષણ લોટરી યોજી હતી, જેમાં 118 વોર્ડ મહિલા ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવ્યા હતા.