મુંબઈઃ હિંદુ સંગઠનોએ કેન્દ્ર સરકારને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરવાની માંગ કરી હતી. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ યથાવત છે. સ્વતંત્રવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક, માનવ સેવા પ્રતિષ્ઠાન, વજ્ર દળ, યોગ વેદાંત સમિતિ, સુયશ મિત્ર મંડળ, શ્રી શિવરાજ્યભિષેક દિનોત્સવ સમિતિ, સનાતન સંસ્થા અને હિન્દુ જનજાગૃતિ સમિતિ જેવા સંગઠનોના સભ્યો મુંબઈના દાદર વિસ્તારમાં એકઠા થયા હતા અને કથિત અત્યાચારો સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર પાસે પડોશી દેશમાં હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પગલાં ભરવાની માંગ કરી હતી.
સ્વતંત્રવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કાર્યકારી પ્રમુખ રણજીત સાવરકરે પત્રકારોને જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો હવે હિન્દુ વિરોધી બની ગયા છે. “કેન્દ્ર સરકારે આની સામે ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ અને હિંદુ બહુમતી વિસ્તારને ભારતમાં ભેળવી દેવા માટે બાંગ્લાદેશમાં પગ મૂકવો જોઈએ.”
સનાતન સંસ્થાના અભય વર્તકે કહ્યું કે અહીંના હિંદુઓએ બાંગ્લાદેશમાં સમુદાયના સભ્યોની સુરક્ષાની માંગણી સાથે રસ્તા પર ઉતરવું જોઈએ. હિંદુ સંગઠનોના સભ્યોએ તેમની માંગણીઓ અંગે સરકારને સુપરત કરવા માટેના મેમોરેન્ડમ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.
તેમણે કહ્યું કે, જે હિન્દુઓ ભારતમાં આશરો લેવા માગે છે તેમને નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) દ્વારા આ સુવિધા પૂરી પાડવી જોઈએ. બાંગ્લાદેશમાં હિંદુઓના ઘણાં ઘરો, મંદિરો અને વેપારી સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં હસીનાની સરકારના પતન બાદ હિંસામાં ભૂતપૂર્વ વડાપ્રધાનની અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા ઓછામાં ઓછા બે હિન્દુ નેતાઓ માર્યા ગયા છે.