- કોરોનાની સાથે હવે કમોસમી વરસાદની શક્યતા
- મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે કરી આગાહી
- ચારથી પાંચ દિવસ એલર્ટ રહેવા લોકોને સલાહ
મુંબઈ: મહારાષ્ટ્ર કે જે દેશમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય છે ત્યાં હવે વધુ એક કુદરતી આફત આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મહારાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રની સરહદને અડતા રાજ્યો પર પણ વાવાઝોડાના જોખમનું નિર્માણ થયું છે.
હવામાન ખાતાએ મહારાષ્ટ્રના દરિયા કાંઠા પર વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી આપી હોઈ આગામી દિવસ ચાર-પાંચ દિવસ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. ભારતીય હવામાન ખાતાએ આપેલી ચેતવણી મુજબ દક્ષિણ અરબી સમુદ્રમાં 14 મેની આસપાસ લો પ્રેશર નિર્માણ થશે અને તેને કારણે વાવાઝોડું સર્જાવાની શકયતા છે.
આ વાવાઝોડું આગળ ઉત્તર પશ્ચિમ દિશામાં સરકવાની શકયતા છે. એ સાથે જ જેમ તે આગળ વધશે તેમ તેની તીવ્રતા પણ વધશે, તેને પગલે 14 મે ના રાતથી કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાના કિનારાપટ્ટીના વિસ્તારને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન ખાતાના અધિકારી ડો. કે.એસ.હોસલીકરના જણાવ્યા મુજબ રાજ્યના તમામ માછીમારોને દરિયામાંથી પાછા ફરવાની સૂચના પણ આપવામાં આવી છે અને આગામી દિવસમાં દરિયો નહીં ખેડવાની સૂચના પણ તેમને આપવામાં આવી છે.
ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ પહેલી જૂનના રોજ કેરળમાં ચોમાસું દાખલ થશે. ત્યારબાદ ચોમાસાના ચાર મહિના પણ સારો એવો વરસાદ પડશે. જયારે રાજ્યમાં 10 જૂન સુધી ચોમાસું કોંકણમાં દાખલ થશે અને 15થી 20 જૂન દરમિયાન બાકીના મહારાષ્ટ્રમાં ચોમાસું હાજરી પૂરાવશે. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેશે અને સંતોષજનક વરસાદ પડશે.