Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે મુલાકાત, શું થઈ ચર્ચા જાણો…

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવો કરીને એકનાથ શિંદેએ સમર્થકોની સાથે મળીને ભાજપના સહયોગથી સરકાર બનાવી હતી. જેથી ઉદ્રવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના-કોંગ્રેસ અને એનસીપીની સરકાર પડી ગઈ હતી. શિવસેનામાં ઉદ્રવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે લાંબા સમયથી વિવિધ મુદ્દા ઉપર તકરાર ચાલી રહી છે. દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે અને સીએમ એકનાથ શિંદે વચ્ચે મુલાકાત થઈ હતી. બંને મહાનુભવો વચ્ચે વિવિધ મુદ્દા ઉપર લાંબી ચર્ચા થઈ હતી. એકનાથ શિંદે અને રાજ ઠાકરેની મુલાકાતને પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિવિધ અટકળો વહેતી થઈ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સીએમ શિંદે અને રાજ ઠાકરે વચ્ચેની મીટીંગમાં રાજ્યમાં ટોલબુથ મામલે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત દુકાનો ઉપર મરાઠી ભાષામાં બોર્ડ લગાવવાને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ લાગુ કરવા અને દંડાત્મક કાર્યવાહી ઉપર વાતચીત થઈ હતી. રાજ ઠાકરે સાથેની મુલાકાત અંગે એકનાથ શિંદેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી

દરમિયાન એકનાથ શિંદેએ આગામી લોકસભાની ચૂંટણીને લઈને દાવો કર્યો છે. એરપોર્ટ ખાતે પત્રકારોને સીએમ શિંદેએ જણાવ્યું હતું કે, તેમની આગેવાની હેઠળની શિવસેના, અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)નું શાસક ગઠબંધન આગામી વર્ષની સામાન્ય ચૂંટણીમાં રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી 45 બેઠકો જીતશે. “મહાયુતિ (મહાગઠબંધન) સાથે મળીને લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે અને લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 45 થી વધુ બેઠકો જીતશે.”