મહારાષ્ટ્રઃ નકલી પિસ્તા બનવવાના કૌભાંડનો પર્દાફાશ, ફેકટરી ઉપર પોલીસના દરોડા
મુંબઈઃ કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં ખાદ્યચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા અચકાતા નથી. અગાઉ અવાર-નવાર ખાદ્યસામગ્રીમાં ભેળસેળની ઘટના સામે આવી છે. દરમિયાન મહારાષ્ટ્રના નાગપુરમાં નકલી પિસ્તા બનાવવાની ફેકટરી ઝડપાતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. ફેકટરીમાં મગફળીને કમિકલયુક્ત ટ્રીટ કરીને પિસ્તા બનાવવામાં આવતા હતા. રૂ. 100ના ભાવે પ્રતિકિલો મગફળીની ખરીદી કર્યા બાદ કેમિકલની મદદથી પિસ્તા બનાવીને રૂ. 1100ના ભાવે વેચાણ કરવામાં આવતું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસની ટીમ ગણેશપેઠ વિસ્તારમાં પેટ્રોલીંગ કરતી હતી ત્યારે શંકાના આધારે એક વ્યક્તિને અટકાવીને તપાસ કરતા તેની પાસેથી એક કોથળો મળ્યો હતો. જેમાંથી નકલી પિસ્તા મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. તેની પ્રાથમિક તપાસમાં એક ફેકટરીમાં કેમિકલ પ્રોસેસની મદદથી મગફળીમાંથી પિસ્તા બનાવવામાં આવતું હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસની ટીમે ફેકટરી ઉપર દરોડા પાડ્યાં હતા. દરોડાના પગલે દોડધામ મચી ગઈ હતી. તપાસમાં લગભગ 140 કિલો નકલી પિસ્તાનો જથ્થો મળી આવ્યો હતો. આ ફેકટરી દિલીપ પૌનીકર નામની વ્યક્તિ ચલાવતી હતી. મગફળીને સુકવ્યા બાદ મશીનથી કાપીને પિસ્તા બનાવવામાં આવતા હતા. પોલીસે લગભગ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ કૌભાંડમાં અનેક વેપારીઓ સંડોવાયેલા હોવાનું મનાઈ રહ્યું છે.