મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકારનું પતન થયા બાદ શિંદેજૂથ અને ભાજપે સાથે મળીને નવી સરકાર બનાવી છે. શિદેએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે અને ભાજપ ફરી એકવાર સત્તામાં આવી ચુકી છે. દરમિયાન પોતાની સરકાર બનાવી નહીં શકરનારા શરદ પવારે નવી સરકારને લઈને ભવિષ્યવાણી કરી છે. પવારે કહ્યું હતું કે, શિંદે સરકાર 5-6 મહિનામાં પડી ભાગશે. તેમણે કાર્યકરોએ સૂચના આપી છે કે, સરકાર પાંચથી છ મહિના જ ટકવાની હોવાથી મધ્યાવધિ ચૂંટણીની તૈયારીમાં લાગી જાવ.
એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે, રાજ્યમાં વહેલી ચૂંટણી આવવાની સંભાવના છે. શિંદેને સમર્થન કરતા કેટલાક નારાજ સમર્થકો તેમનાથી ખુશ નથી. વિભાગોની ફાળવણી જેથી ધારાસભ્યોની નારાજગી સામે આવશે અને જેના પરિણામે સરકાર પડી ભાગશે. જેથી નારાજ ધારાસભ્યો પરત પોતાની પાર્ટીમાં પરત ફરી શકે છે. એનસીપીના વડા શરદ પવારના આ નિવેદન બાદ શિવસેનાના એક નેતાએ પણ તેમને સમર્થન આપ્યું હતું. દરમિયાન આજે વિધાનસભામાં શિંદે સરકારે બહુમતી સાબિત કરી હતી. શિંદેજૂથ અને ભાજપને 164 જેટલા ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. જ્યારે 99 ધારાસભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાવિકાસ અઘાડીથી નારાજ થઈને એકનાથ શિંદે અને તેમના સમર્થકોએ બળવો કર્યો હતો. 39 શિવસેનાના ધારાસભ્યો અને 9 જેટલા અપક્ષ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. શિંદેજૂથે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. તેમજ શિંદેને મુખ્યમંત્રી પદ તથા ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે.