Site icon Revoi.in

મહર્ષિ દયાનંદ સરસ્વતીજી સમાજને આધુનિકતા અને સામાજિક ન્યાયનો માર્ગ દેખાડ્યો હતોઃ રાષ્ટ્રપતિ

Social Share

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતી નિમિત્તે 200મા જન્મોત્સવ – જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવી તેજસ્વી હસ્તીઓના જન્મથી આપણા દેશની ધરતી ધન્ય થઈ છે. સ્વામીજીએ સમાજસુધારણાનું કાર્ય ઉપાડ્યું અને સત્ય સાબિત કરવા માટે ‘સત્યાર્થ પ્રકાશ’ નામનું એક અમર પુસ્તક રચ્યું. લોકમાન્ય તિલક, લાલા હંસરાજ, સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા લજપતરાય જેવી મહાન વિભૂતિઓ પર તેમના આદર્શોની ઊંડી અસર પડી હતી. સ્વામીજી અને તેમના અસાધારણ અનુયાયીઓએ ભારતના લોકોમાં નવી ચેતના અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો.

રાષ્ટ્રપતિએ કહ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ 19મી સદીના ભારતીય સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ અને કુરિવાજોને દૂર કરવાની પહેલ કરી હતી. તેમણે સમાજને આધુનિકતા અને સામાજિક ન્યાયનો માર્ગ દેખાડ્યો હતો. તેમણે બાળલગ્ન અને બહુપત્નીત્વનો સખત વિરોધ કર્યો હતો. તેમણે વિધવા પુનર્વિવાહને પ્રોત્સાહન આપ્યું. તેઓ સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી સ્વાભિમાનના પ્રબળ હિમાયતી હતા. તેમના દ્વારા ફેલાયેલા પ્રકાશે રૂઢિવાદી પરંપરાઓ અને અજ્ઞાનતાના અંધકારને દૂર કર્યો. તે પ્રકાશ ત્યારથી જ આપણને માર્ગદર્શન આપી રહ્યો છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રાખશે.

રાષ્ટ્રપતિએ એ જાણીને આનંદ વ્યક્ત કર્યો કે આર્ય સમાજે વિદ્યાર્થિનીઓ માટે કન્યા શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરીને મહિલા સશક્તીકરણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. સ્વામીજીની 200મી જન્મજયંતિની ઉજવણીના બે વર્ષ દરમિયાન આર્ય સમાજે કુટુંબ અને સામાજિક સમરસતા, કુદરતી ખેતી અને વ્યસન મુક્તિને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જે તંદુરસ્ત સમાજના નિર્માણમાં મદદરૂપ થશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આવતા વર્ષે, આર્ય સમાજ તેની સ્થાપનાના 150 વર્ષ પૂર્ણ કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આર્ય સમાજ સાથે સંકળાયેલા તમામ લોકો સ્વામીજીના વધુ સારા વિશ્વના નિર્માણના વિઝનને સાકાર કરવાની દિશામાં આગળ વધતા રહેશે.