Site icon Revoi.in

કચ્છના નાના રણમાં મીઠું પકવવા માટે ઘણા અગરિયાઓના દાવા નામંજુર, મહાસંમેલન યોજાશે

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા, પાટડી સહિતના રણ વિસ્તારમાં મીઠુ પકવીને રોજગારી મેળવી રહેલા હજારો અગરિયાઓ સરકારની નીતિ-રીતિથી મુશ્કેલીમાં મુકાયા છે. કચ્છના નાના રણમાં મીઠું પકવવા 3437 અગરિયાઓએ હક્ક દાવા રજૂ કર્યા હતા.  જેમાંથી સર્વે એન્ડ સેટલમેન્ટ વિભાગે માત્ર 497 અગરિયાઓના હક્ક દાવાઓ જ માન્ય રાખ્યા છે. આથી હવે આગામી મીઠું પકવવાની સીઝનમાં 85 % અગરિયાઓ મીઠું પકવવા રણમાં જઈ શકશે નહીં,  આથી મીઠું પકવતા અગરિયાઓ લડી લેવાના મૂડમાં છે અને એ માટે થોડા દિવસમાં મહા સંમેલન બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કચ્છના નાના રણમાં છ તાલુકાના 107 ગામોના 3437 અગરિયાઓએ સર્વે એન્ડ સેટલમેન્ટ વિભાગમાં હક્ક દાવાઓ રજૂ કર્યા હતા. જેમાંથી માત્ર 85 % અગરિયાઓનો દાવો નામંજૂર કરી માત્ર 497 અગરિયાઓના જ હક્ક દાવાઓ મંજૂર કરાતા હવે બાકીના 3000 જેટલા અગરિયા પરિવારોને રણમાં મીઠું પકવવા જવા માટેની પરવાનગી નહીં મળે તો ગુજરાતમા કચ્છના નાના રણમાં મીઠાનું ઉત્પાદન 80  ટકા જેટલું ઘટી જશે. આથી રણમાં મીઠું પકવતા જે અગરિયાઓના નામ હક્ક દાવામાં રહી ગયા એ તમામ અગરિયાઓએ આજે ખારાઘોડા ખાતે આગામી રણનીતિ ઘડવા બેઠક યોજી હતી.

અગરિયા મહાસંઘ દ્વારા ખારાઘોડા ખાતે અગરિયા સોસાયટીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા સહીત અગરિયા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મીઠું પકવતા અગરિયાઓએ હાજરી આપી હતી. જેમાં ગયા વર્ષે અગરિયાઓનું સર્વે કરી હક દાવા માટે અગરિયાનું લિસ્ટ સર્વે સેટલમેન્ટ કચેરી, સુરેન્દ્રનગરની ઓફિસે આપ્યુ હતું. જેમાંથી અગાઉ થયેલા તમામ દાવા અરજીમાંથી ફક્ત 497 અગરિયાના જ હકદાવા મંજુર કરવામાં આવ્યા છે. જેના માટે એક ચોક્કસ આયોજન સાથે સરકારમાં રજુઆત કરવામાં આવશે.