અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોમનાથમાં ધાર્મિક માહોલમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મહા મૃત્યુંજય યજ્ઞ, જ્યોતપૂજન, ચાર પ્રહરના વિશેષ પૂજન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ સોમનાથ મંદિર 42 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે.
સોમનાથમાં તા.10 થી તા.12 માર્ચ દરમિયાન ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તા.11ને ગુરૂવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે 4-00 થી લઇ સતત 42 કલાક ભક્તજનો માટે ખુલ્લુ રહે છે. ચાર પ્રહરની વિશેષ પૂજા -આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન કરાય છે., તેમજ મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન છે. મહાશિવરાત્રિએ ભાવિકો તત્કાલ શિવપૂજન, સુવર્ણ કળશ પૂજન, ધ્વજાપુજન કરી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે. મહોત્સવનો પ્રારંભ ટ્રસ્ટ તરફથી પારંપરીક ધ્વજાપૂજનથી થશે, મહામૃત્યુંજય યજ્ઞ, મહાશિવરાત્રિએ સવારે બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિત વિશેષ કાર્યક્રમો સરકારીની કોવિંડ-19ની ગાઇડલાઇન્સ ના ચુસ્ત પાલન સાથે યોજાશે.