જુનાગઢઃ ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી તા.5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો, ભાવિકો મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડતા હોવાથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશ વિદેશથી સાધુ-સંતોનું આગમન ભવનાથ તળેટીમાં થઈ રહ્યું છે, મેળામાં ચકડોળ સહિતના આકર્ષણના કેન્દ્રો માટેના પ્લોટની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. સાધુ-સંતૂના ધુણા ધખાવાનું પણ શરૂ થયું છે ત્યારે જુનાગઢ મુચકુંદ ગુફાના મહંત મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરી મહારાજ અને સાધુ સંતો દ્વારા શિવરાત્રી મેળાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,
ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવજીના મંદિરના વિશાળ પ્રાંગણમાં યોજાતો શિવરાત્રીના મેળાની આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગિરનારની તપોભૂમિમાં ગંદકી નહીં કરવા અને પ્લાસ્ટિક મુક્ત રાખવા અપીલ કરવામાં આવી છે..લાખોની સંખ્યામાં આવનાર યાત્રિકો માટે તંત્ર દ્વારા પાણી શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આગામી તારીખ 5 માર્ચ થી 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજી સુરક્ષાની ચકાસણી કરવામાં આવી હતી.
જુનાગઢ એસ.પી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 5 થી 8 સુધી શિવરાત્રી મેળો યોજવાનો છે. જે મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ આવતા હોય છે. ત્યારે ભવનાથ આવતા ભાવિકો કોઈ અડચણ ન પડે અને ભાવિકોને સુવિધા મળી રહે તે હેતુથી જુનાગઢ શહેર તેમજ જિલ્લાની તમામ હોટલોનું તેમજ ધાર્મિક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ભવનાથ ક્ષેત્રના અલગ અલગ ધાર્મિક સ્થળોને પણ ચકાસવામાં આવ્યા હતા. તેમજ ભવનાથમાં રિક્ષાઓ તેમજ અલગ અલગ વાહનો પણ બહોળી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે કોઈપણ આવારા તત્વોને કાયદાનું ભાન થાય તે માટે વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. (File photo)