અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં શુક્રવારે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મહાશિવરાત્રી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. વિવિધ શિવાલયોમાં સવારથી ભક્તોની લાંબી લાઈનો લાગશે. તેમજ અલગ-અલગ સ્થળો ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે સમગ્ર ગુજરાત શિવમય બની જશે. જૂનાગઢમાં શુક્રવારે મધ્ય રાત્રે સાધુ-સંતોની રવાડી યોજાશે અને શાહીસ્નાન યોજાશે. હાલ જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે.
જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. શિવરાત્રીના પહેલા દિવસે જ મેળો રંગ ચંગે જામ્યો છે. ભવનાથની તળેટી મહાશિવરાત્રીના મેળાને લઈને જય ગીરનારી અને હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠી છે. ભજન,ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટ્યા છે. લાખો શ્રદ્ધાળુઓની ભીડ જામતા પોલીસ તંત્ર પણ ખડેપગે છે. ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. સાથોસાથ, ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને લઈ ભાવિકો માટે સૌ પ્રથમ વાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભક્તોને પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે. આ વર્ષે પણ સાધુ સંતો શરીર પર 10,000 થી વધુ રૂદ્રાક્ષ પહેરી શિવ ભક્તિમાં ધ્યાન મગ્ન થયા છે. 20 કિલોથી વધુ વજનની રૂદ્રાક્ષની માળા પહેરેલા ભભૂતધારી સંત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ ઉપરાંત, 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં આવતા ભાવિકોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાશે. મહાશિવરાત્રીના દિવસે સવારે ચાર વાગ્યાથી સતત 42 કલાક સુધી સોમનાથ મંદિર ખુલ્લુ રહેશે. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓનાં દર્શન માટે પાલખીયાત્રા યોજવામાં આવશે.વહેલી સવારથી જ સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞ શાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે. મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંપરા અનુસાર જ મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે. તો સાંજે સાડા 6 કલાકે સોમનાથની ઐતિહાસિક ગાથાને ઉજાગર કરતી “જયતું સોમનાથ” સંગીત નાટીકા યાત્રીઓ માટે આકર્ષિત બનશે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થીવેશ્વર શિવલિંગની પૂજા કરાવવામાં આવશે. મહા શિવરાત્રીના દિવસે 8 માર્ચના રોજ સવારે 08:00થી 09:00 વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રોમોનેડ વૉક-વે પર મારુતિ બીચ ખાતે વિશેષ પૂજાનું સુંદર આયોજન થશે.આ પૂજા નોંધવા માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહા શિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે.પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે.