આજે મહાશિવરાત્રી: રાજકોટમાં આજી નદીના કાંઠે બિરાજમાન રામનાથ મહાદેવ મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું
રાજકોટ:આજે મહાશિવરાત્રી છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.આજે દિવસ દરમિયાન બમ બમ ભોલે ના દિવ્યનાદ સાથે શિવ મંદિરો ગુંજતા રહેશે. સવારથી ભગવાન ભોળાનાથને રીઝવવા માટે શ્રધ્ધાળુ ભાવિકોનો પ્રવાહ મંદિરોમાં શરૂ થઈ ગયો છે.ત્યારે રાજકોટના રામનાથ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.આ સાથે અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં આજીડેમની વચ્ચે આવેલું રામનાથ મહાદેવનું મંદિર ખૂબ પૌરાણિક મંદિર છે. લાખો લોકોની શ્રદ્ધા રામનાથ મહાદેવ સાથે જોડાયેલી છે.મહાશિવરાત્રી તેમજ શ્રાવણ મહિનાના પર્વને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે અને પૂજન-દર્શન તેમ જ આરતીનો લહાવો લેતા હોય છે.
રામનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ મંદિરમાં શરૂ થઇ ગયો છે.દિવસ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પુષ્પાભિષેક દુર્ધાભિષેક, બિલ્વાભિષેક, જલાભિષેક સાથે શિવ મહિમ્મન શ્લોકના ગાન સાથે શિવઆરાધનાના દર્શન થઇ રહ્યા છે.અને મહાદેવના ભક્તો પણ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.