Site icon Revoi.in

મહાઠગ કિરણ પટેલને રાજકીય સંપર્ક કોની સાથે હતો? ક્રાઈમ બ્રાન્ચે કોલ ડિટેઈલ મેળવી

Social Share

અમદાવાદઃ મહાઠગ ગણાતા આરોપી કિરણ પટેલને જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંન્ટને ધરપકડ કરીને અમદાવાદ લવાયા બાદ તેના રિમાન્ડ મેળવીને સઘન પૂછતાછ કરવામાં આવી રહી છે. કિરણને ક્યાં રાજકીય નેતા સાથે સંપર્ક હતા. તે અંગે કિરણ પટેલે મૌન સેવી લેતા પોલીસે તેની કોલ ડિટેલ્સ મેળવીને વધુ પૂછતાછ શરૂ કરી છે. દરમિયાન કિરણ પટેલના યુનિયન બેંક, અલ્હાબાદ બેંક અને એચડીએફસી બેંકમાં 3 એકાઉન્ટ મળ્યાં છે, જેમાંથી અલ્હાબાદ બેંકનું એકાઉન્ટ કિરણ પટેલનું એકલાનું છે. જ્યારે બાકીના બંને એકાઉન્ટ પત્ની માલિની સાથે જોઈન્ટમાં છે.  આજે સોમવારે ત્રણેય એકાઉન્ટની માહિતી મેળવવામાં આવી હતી. ઉપરાંત કિરણ પટેલને લઈને  ક્રાઈમ બ્રાંચની ટીમ તેના ઘરે ગઈ હતી. જ્યાં તેની કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી તેમજ પીએમ ઓફિસના અધિકારી તરીકેના ડોક્યુમેન્ટ શોધવા તપાસ કરી હતી.

ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, કિરણ પટેલ અને માલિની વિરુદ્ધ હાલમાં છેતરપિંડીની એક જ ફરિયાદ છે. જેમાં માજી મંત્રીના ભાઈ જગદીશ ચાવડાનો સિંધુ ભવન રોડ ઉપર આવેલો નીલકંઠ ગ્રીન બંગલોઝ રૂ.35 લાખમાં રિનોવેશન કરવા માટે રાખ્યો હતો. ત્યારબાદ રૂ.15 કરોડની કિંમતનો તે જ બંગલો પચાવી પાડવા માટે કોર્ટમાં ખોટી એફિડેવિટ કરીને દાવો કર્યો હતો. આ સિવાય કિરણ પટેલ દ્વારા અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હોવાની રજૂઆતો પોલીસને મળી છે. જેથી પોલીસે સૌથી પહેલા કિરણ પટેલના બેંક એકાઉન્ટની તપાસ કરી હતી. જેમાં 3 એકાઉન્ટ મળી આવ્યા છે. તે ત્રણેય એકાઉન્ટનું સ્ટેટમેન્ટ સહિતની માહિતી મેળવવા ક્રાઈમ બ્રાંચની ટીમે બેન્કમાં જઈને વિગતો મેળવી છે. હાલ સ્કુટીની કર્યા બાદ તેની વિગતો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત કિરણ પટેલની ડિગ્રી, પૈસા, દાગીના તેમજ અન્ય રોકાણની માહિતી જાણવા માટે તેના ઘરની તિજોરી તેમજ બેંક લોકર પણ ચેક કરવામાં આવી રહ્યા છે. જ્યારે જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવાના ષડયંત્રમાં કિરણ પટેલ જોડે તેની પત્ની માલિની પણ સહ આરોપી હતી. જેની થોડા દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાંચ ધરપકડ કરી હતી. પોલીસે માલિનીના નિવેદન લીધા હતા અને જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવા તેણે અને કિરણે કયા કયા નકલી ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરાવ્યા હતા તેની માહિતી એકત્રિત કરી હતી. ઉપરાંત કિરણ પટેલે મણિનગરના એક પ્રિન્ટિંગ પ્રેસમાં પીએમ ઓફિસના અધિકારી તરીકેના વિઝિટિંગ કાર્ડ છપાવ્યા હતા. જેથી ક્રાઇમ બ્રાંચ કિરણને લઈને તે પ્રિન્ટિંગ પ્રેસમાં પણ તપાસ કરવા જશે. (file photo)