નવી દિલ્હીઃ દિલ્હીની મંડોલી જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે વધુ એક લેટરબોમ્બ ફોડ્યો છે. આ વખતે સુકેશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. સુકેશે આ પત્રમાં ઘણા મોટા અને સનસનાટીભર્યા દાવા કર્યા છે. ગુજરાત, હિમાચલ અને MCD ચૂંટણી પહેલા ચાર પાનાના આ ‘વિસ્ફોટ’ પત્રમાં તેમણે AAP નેતા કેજરીવાલ પર 50 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. તેણે રાજ્યસભાની સીટ ઓફર કરવાનો પણ દાવો કર્યો છે.
આ પત્રમાં સુકેશે કેજરીવાલને સીધો સવાલ કર્યો છે કે ,જો હું દેશનો સૌથી મોટો ઠગ છું તો મારા જેવા ગુંડાને રાજ્યસભાની સીટ ઓફર કરીને 50 કરોડ રૂપિયા કેમ લીધા? આ સાથે સુકેશે પત્રમાં આરોપ લગાવ્યો છે કે, કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિરૂદ્ધ લખવામાં આવેલા પહેલા પત્ર બાદ મને તિહાર જેલના પૂર્વ ડીજી અને વહીવટીતંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. સુકેશે લખ્યું છે કે હું કેજરીવાલ અને તેમના મંત્રી સત્યેન્દ્ર જૈનના તંત્રથી ડરતો નથી. તેમણે દાવો કર્યો છે કે આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી છે, અલબત્ત, તેમની તપાસ થવી જોઈએ. મને કર્ણાટકમાં પાર્ટીમાં મોટા પદની ઓફર પણ કરવામાં આવી રહી હતી.
વર્ષ 2016માં એક હોટલમાં આયોજિત ડિનર પાર્ટીનો ઉલ્લેખ કરતા સુકેશે કહ્યું કે, “કેજરીવાલ જી, તમે સત્યેન્દ્ર જૈન સાથે મારી ડિનર પાર્ટીમાં શા માટે હાજરી આપી હતી, જ્યારે મેં તમને 50 કરોડ રૂપિયા પણ આપ્યા હતા. આ રકમ મેં તને કૈલાશ ગેહલોતના ફાર્મમાં આપી હતી.
(PHOTO-FILE)