મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોતઃ ડો.એસજયશંકર
નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વિયેતનામની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોત છે.
તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રએ મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા અને લોકોની સ્વતંત્રતા પ્રત્યેના યોગદાનને તેમના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કરીને સ્વીકાર્યું છે. વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાના અનાવરણ સમારોહમાં ડૉ. જયશંકરે કહ્યું હતું કે, તેમના વિચારો માનવ ગૌરવ, સામાજિક મૂલ્યો, આધ્યાત્મિકતા, પર્યાવરણ, ટકાઉપણું, સ્વચ્છતા અને અન્ય ઘણા ક્ષેત્રો માટે ખૂબ જ શક્તિશાળી પ્રેરણા છે.
વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, પ્રતિમાનું અનાવરણ એ ભારત અને વિયેતનામની મિત્રતાની પ્રતીકાત્મક ક્ષણ છે. તે સ્વતંત્રતા, આત્મનિર્ભરતા અને માનવીય ગૌરવને પ્રતિબિંબિત કરે છે. ડો. જયશંકર હો ચી મિન્હ સિટી પાર્ટીના સેક્રેટરી ગુયેન વાન નાનને પણ મળ્યા હતા. તેમણે ભારત-વિયેતનામ ભાગીદારીમાં હો ચી મિન્હ સિટીના યોગદાનની પ્રશંસા કરી હતી.
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે આજે હનોઈમાં તેમના વિયેતનામના સમકક્ષ બુઇ થાન સોન સાથે 18મી ભારત-વિયેતનામ સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં રાજકીય, સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા, ન્યાયિક, વેપાર અને રોકાણ, ઉર્જા, વિકાસ, શિક્ષણ અને તાલીમ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહકાર જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, ભારત-વિયેતનામ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી આગામી વર્ષોમાં વધુ મજબૂત બનશે. આ બેઠકમાં બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, વૈશ્વિક મુદ્દાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા અને વિવિધ બહુપક્ષીય જૂથોમાં સહકાર અંગેના પરિપ્રેક્ષ્યો પણ શેર કર્યા હતા.
ડૉ. જયશંકરે તેમના વિયેતનામના સમકક્ષ સાથે સંયુક્ત રીતે ભારત અને વિયેતનામ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષની સ્મૃતિમાં સ્મારક સ્ટેમ્પનું અનાવરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કલારીપાયટ્ટુ અને વોવિનમને દર્શાવતી સ્ટેમ્પ્સ રમતગમત માટે સહિયારી લાગણી દર્શાવે છે અને બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક, સામાજિક અને લોકો વચ્ચેના સંબંધોને દર્શાવે છે.