Site icon Revoi.in

મહાત્મા મંદિર: વાઈબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

Social Share

ગાંધીનગરઃ 4 વર્ષ બાદ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે.  આવતીકાલે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શૉનું ઉદ્દઘાટન કરાશે. જેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વાઈબ્રન્ટની તૈયારીઓની સમીક્ષા કરવા મહાત્મા મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સમીક્ષા કરીને અધિકારીઓ સાથે વાઈબ્રન્ટ સમિટને લઈ ચર્ચા કરી હતી.

બીજી તરફ, ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશ જ્યારે પાર્ટનર તરીકે 33 દેશભાગ લઈ રહ્યા છે. ટ્રેડ શોમાં મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારતના સ્ટોલ જોવા મળશે. તો, એગ્રો એન્ડ ફૂડ, ઓટો મોબાઈલ, સિરામિક્સ, કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્મા.નું પણ પ્રદર્શન યોજાશે. ટેક્સ્ટાઈલ, ગાર્મેન્ટ, ગ્રીન હાઈડ્રોજન, એરક્રાફ્ટ, સેમીકન્ડક્ટર, સાયબર સુરક્ષા, મશીન લર્નિંગ આકર્ષણનું કેન્દ્ર રહેશે.આ તરફ, વાઈબ્રન્ટ સમિટના કારણે ગાંધીનગરમાં તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે.

VVIP ડેલીગેટ્સ, હેડ ઓફ સ્ટેટ, હેડ ઓફ ગવર્નમેન્ટ, રોકાણકારો અને ઉદ્યોગપતિઓ ગાંધીનગરના મહેમાન બનવાના છે..મહાત્મા મંદિર તેમજ એક્ઝિબિશન હોલ ખાતે VVIPની અવરજવર વધુ પ્રમાણમાં રહેશે.જેના કારણે ગાંધીનગરની તમામ સરકારી કચેરી સવારે 10.30 વાગ્યાને બદલે બપોરે 12 વાગ્યે શરૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે મોડી સાંજે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યકમોમાં ઉપસ્થિત રહેશે. બીજી તરફ વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તેમજ આ મહોત્સવને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.