- વડાપ્રધાનના એક પેડ માં કે નામ સંકલ્પને ચરિતાર્થ કરાયુઃ મંત્રી મુળુભાઈ બેરા,
- ગ્રીન અરવલ્લી” ગીરીમાળા વૃક્ષારોપણનો સરાહનીય પ્રયાસ,
- ગુજરાતમાં 10.50 કરોડ વૃક્ષોનું વાવેતર
ગાંધીનગરઃ સાબરકાંઠા જિલ્લામાં ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં કેબિનેટ મંત્રીશ્રી, વન અને પર્યાવરણ મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં “મહાવાવેતર’ અભિયાન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી, વન અને પર્યાવરણ મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના “એક પેડ માં કે નામ” સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્યથી “મહા વાવેતર” અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તારમાં અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું છે. વડા પ્રધાનના ”એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં 140 કરોડથી વધુ વૃક્ષો વાવવનો ધ્યેય રાખવામાં આવ્યો છે.
સાબરકાંઠા વન વિભાગ અને સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ ધ્વારા જિલ્લામાં વન વિસ્તાર બહાર 1959 હેકટર વિસ્તારમાં 13.98 લાખ રોપાઓનું વાવેતર થતા જીલ્લાના વન વિસ્તારમાં 3,057 હેકટર વિસ્તારમાં 22.67 લાખ રોપાઓ એમ મળી કુલ 5,016 હેકટર વિસ્તારમાં 36.65 લાખ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રીએ “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું.
મહા વાવેતર અભિયાન કાર્યક્રમમાં રાજ્યકક્ષા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગાંધીજીનાં આધ્યાત્મિક ગુરૂ એવા શ્રીમદ્ રાજચંદ્રજીની પાવન રજથી વિભૂષિત એવી ઇડરની તપોભૂમિ ખાતે વડાપ્રધાનનાં “એક પેડ મા કે નામ” અભિયાનને સાર્થક કરતાં “ગ્રીન અરવલ્લી” ગીરીમાળા વૃક્ષારોપણ કાર્યક્રમએ સરાહનીય પ્રયાસ છે. દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ મા સાથેનો છે.જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણાં બધા પર એક ઋણની જેમ હોય છે, જેને કોઈ ચુકવી ન શકે. સૌ પોતાની માતાનું આ ઋણ ચુકવી શકે તે શુભ હેતુથી એક પેડ મા કે નામ” અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન એક જન આંદોલન બની ગયું છે.
આ વર્ષે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાનાં વન મહોત્સવ પૂર્ણ થયા છે. વન મહોત્સવ દરમ્યાન 10.50 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે. તેમજ 75માં વન મહોત્સવ હેઠળ રાજ્યમાં લોકભાગીદારીથી 5000 “માતૃવન”નું નિર્માણ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતને હરિયાળુ બનાવવાનાં સંકલ્પમાં ગામે ગામ લોકો જોડાઇ રહ્યા છે. ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર ખાતે અંદાજે દસ હજારથી વધુ જનમેદની ધ્વારા સામુહિક રોપ વાવેતર અને હયાત રોપાઓને રક્ષાપોટલી બાંધી તેના લાંબા આયુષ્યની સામુહિક કામના કરવામાં આવી હતી.
#GreenAravalli | #TreePlantation | #OneTreeOneName | #EnvironmentProtection | #GujaratForestry | #GreenGujarat | #ForestConservation | #EcoFriendlyInitiatives | #SustainableFuture | #TreePlantingCampaign | #GreenInitiatives | #EnvironmentalAwareness