જૈનોના તિર્થસ્થાન પાલિતાણાના શેત્રુંજ્ય ગિરિરાજની મહાયાત્રાનો કાલે શુક્રવારથી પ્રારંભ
- 000 વધુ શ્રાવકો અને 10.000થી વધુ સાધુ-સાધ્વીજી યાત્રાનો પ્રારંભ કરશે,
- ચાતુર્માસના ચાર માસના વિરામ બાદ યાત્રાનો પ્રારંભ,
- કાલે જય તળેટીથી ચૈત્યવંદન કરી યાત્રિકો યાત્રાનો આરંભ કરશે
પાલિતાણાઃ જૈનોના પવિત્ર તીર્થ શંત્રુજય ગિરિરાજ પાલીતાણા ખાતે ચોમાસાના સાડા પાચ માસ બંધ રહ્યા બાદ કારતક સુદ-15 તા.15મી નવેમ્બરથી એટલે કે આવતી કાલ શુક્રવારથી યાત્રા માટે ડુંગર ખુલશે. 20000થી વધુ શ્રાવક, શ્રાવિકાઓ અને 1000થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો યાત્રાનો આરંભ કરશે.
પાલિતાણામાં કાર્તિકી પૂનમની શેત્રુંજય તીર્થની યાત્રા આવતી કાલે શુક્રવારે વહેલી સવારના પાંચ કલાકથી શરૂ થશે. ચાતુર્માસના ચાર માસના વિરામ બાદ યાત્રાનો પ્રારંભ થશે. અષાઢ સુદ પૂનમથી ગિરિરાજની યાત્રા બંધ હતી. કાર્તિકી પૂનમની યાત્રા કરવા મોટી સંખ્યામાં યાત્રિકો પાલીતાણા આવશે.યાત્રિકો વહેલી સવારના આદેશ્વર દાદાની જય હો’ના નારા સાથે યાત્રાનો પ્રારંભ જય તળેટીએથી કરશે. આ મહાયાત્રામાં આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વીજી મ.સા., ચાતુર્માસ કરી રહેલા આરાધકો તેમજ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં યાત્રિકો જોડાશે. જય તળેટીથી ચૈત્યવંદન કરી યાત્રિકો યાત્રાનો આરંભ કરશે.
પાલિતાણામાં જય તળેટી આગળ ઉપર બાબુનું દેરાસર, સમવસરણ મંદિર, પદ્માવતી ટુંક, હનુમાન ધાર, ચૌમુખીની ટુંક, હેમ વસાહીની ટુંક, ઉઝમબાઈની ટુંક, મોતીશાની ટુંક, બાલા વસાહીની ટુંક, આમ, નવ ટૂંકોમાં થઈને આગળ રામપોલના રસ્તે થઈને સૌપ્રથમ રામપોળ ભકતો પહોંચશે. આગળ સાગરપોળ, વાઘણપોળ, અન્નપોળ, દાદાની પોળ આવે છે. આ પછી સુરજ કુંડ આવે છે. આ કુંડનું પાણી અત્યંત પવિત્ર ચમત્કારી તરીકે જૈન શાસ્ત્રોમાં વર્ણવ્યું છે.
શ્રાવકોના કહેવા મુજબ શત્રુંજય તીર્થની યાત્રા કર્યા બાદ દસ કરોડ મુનિઓ સાથે અનશન કરીને માસોપવાસ બાદ સકલ કર્મનો ક્ષય કરીને કાર્તિક પૂર્ણિમાના દિવસે દ્રાવિડ અને વારિખિલ્લ દસ કરોડ મુનિઓ સાથે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી અંતર્મુહૂર્તમાં મોક્ષ પદને પામ્યા હતા. નારદજી પણ કાર્તિક પૂર્ણિમાના દિવસે 91 લાખ મુનિવરોની સાથે અહીં કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા છે. જો કોઈ કાર્તિકી પૂર્ણિમાએ અહીં આવીને માત્ર એક ઉપવાસ કરે તો બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા અને ગર્ભ હત્યાના પાપમાંથી મુક્ત થાય છે. નવ ટુંકમાં મોહિની ટૂંકમાં આવેલી અદબદજી દાદાની મોટી મૂર્તિ છે. તે ખૂબ જ મોટી હોવાથી અદભુત આદિનાથ કહેવાય છે. પાછળથી લોકોએ તેને અદબદદાદા નામ પડ્યું, તેની પૂજા વર્ષમાં એક જ વાર થાય છે.