રાજકોટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લામાં વિંછીયા ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ સંસ્થા ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતોને ઉદબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સેવાભાવી સંસ્થાનું સંકુલ નાનું હોય કે મોટું, સમાજોપયોગી પ્રવૃત્તિ કરતા સંચાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર સતત પ્રયાસરત છે. સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સરકાર સાથે સહભાગિતાથી કામ કરે છે, તેના લીધે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.
ગુજરાતના વિકાસની હરણફાળમાં સામાજિક-ધાર્મિક સંસ્થાઓનું મોટું પ્રદાન છે. આ પાટીદાર સંસ્થા દ્વારા સમાજના તમામ લોકોને સરકારી યોજનાઓમાં લાભ લેવા માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે, તે સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. આવા સરાહનીય અને સર્વ -સમાવેશક અભિગમથી મોટા મોટા સામાજિક કાર્યો શક્ય બને છે, સફળ થાય છે. દેશ પાસે આજે સક્ષમ નેતૃત્વ છે, જેના માર્ગદર્શન હેઠળ દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે.
નીતિ આયોગના અહેવાલ મુજબ ગુજરાત આર્થિક મોરચે અગ્રણી છે જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આ વર્ષે રાજ્યનું બજેટ ત્રણ લાખ બત્રીસ હજાર કરોડથી વધારેની રકમનું રજૂ કરવામાં આવ્યું છે, જે રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. તેમણે રોજિંદા અને જાહેર જીવનમાં સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ગ્લોબલ ગુજરાતની વિભાવના સ્થાપિત કરવા માટે રોજિંદા જીવનમાં સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈએ.