પુણેમાં સીરમ ઇન્સ્ટીટયુટના પ્રોડક્શન પ્લાન્ટમાં લાગી આગ
- કોરોના વેક્સીન બનાવતી સીરમ ઇન્સ્ટીટયુટમાં આગ
- ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે
- આગ લાગવાનું કારણ અકબંધ
મહારાષ્ટ્રના પુણેમાં સીરમ ઇન્સ્ટીટયુટના એક ભાગમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે.રીપોર્ટ મુજબ,સીરમ ઇન્સ્ટીટયુટના ટર્મિનલ 1 ગેટમાં આગ લાગી છે. સામે આવેલી ઘટનાની તસવીરોમાં દુરથી જ ધુમાડાના ગોટેગોટા દેખાય રહ્યા છે. આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
બનાવની જાણ થતા ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.હાલ 10 ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પરની આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે.
પોલીસ અને સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.હાલ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે,આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. રીપોર્ટમાં આ વાતની જાણકારી મળી છે કે, આગ સીરમ ઇન્સ્ટીટયુટના એક પ્રોડક્શન પ્લાન્ટમાં લાગી છે. આ પ્લાન્ટ કોવિશિલ્ડના મેન્યુફેક્ચરિંગ યુનિટની નજીક સ્થિત છે.
સીરમ ઇન્સ્ટીટયુટ કોરોના વાયરસ માટેની કોવિશિલ્ડ વેક્સીનનું નિર્માણ કરી રહી છે. આ વેક્સીન ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવી છે. સીરમ ઇન્સ્ટીટયુટ વિશ્વની સૌથી મોટી વેક્સીન નિર્માતા છે,જેની શોધ સાયરસ પૂનાવાલાએ 1966 માં કરી હતી.
-દેવાંશી