Site icon Revoi.in

પ્રાથમિક શાળાઓમાં શારીરિક શિક્ષણનો વિષય ફરજિયાત કરો, શૈક્ષણિક મહાસંઘની માગણી

Social Share

અમદાવાદઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની ઉપક્રમે અમદાવાદમાં ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે રાજ્ય કારોબારી બેઠક યોજાઈ ગઈ તેમાં રાજ્યના શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધો. 1થી 5માં ફરજ બજાવતા શારીરિક શિક્ષણ, ચિત્ર, સંગીત વિષયના શિક્ષકોને ધોરણ છથી આઠમાં સમાવેશ કરી ધોરણ 1 થી 8નું સળંગ મહેકમ ગણી વિષય શિક્ષક તરીકે સમાવવા, શારીરિક શિક્ષણ વિષય નવી શિક્ષણનીતિ મુજબ ફરજીયાત કર્યો હોવાથી તેનું અમલીકરણ ચાલુ વર્ષથી જ કરવામાં આવે, તથા ચાલુ વર્ષના બજેટમાં શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોની ભરતી માટે બજેટના નાણા ફાળવેલા હોય નવીન ભરતી કરવી, શિક્ષકોને સોંપવામાં આવતી શિક્ષણ સિવાયની કામગીરી સદંતર બંધ થાય જેવા મુદ્દાઓનો ચર્ચા કરવામાં આવી હતી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની બેઠકમાં રાજ્યના પ્રાથમિક શિક્ષણના તેમજ શિક્ષકોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પહેલા સરકાર સાથે થયેલા સમાધાન મુજબ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો બાકી ઠરાવ સત્વરે કરવો, 2005 પછીના તમામ શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરાવવી, 10 ટકા સીપીએફ કપાત સામે સરકાર દ્વારા 14 ટકા સીપીએફ જમા કરાવવા બાબતે થયેલી સંમતિ મુજબ આદેશ કરાવો ,એચ ટાટ મુખ્ય શિક્ષકોના નિયમો માટે કમિટી બનાવી ઝડપથી નિયમો બનાવવા, 2012થી ભરતી થઈ તેના તાત્કાલિક નિયમો બને અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવું, બી.એલ.ઓ. કામગીરીમાંથી તાત્કાલિક અસરથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે , સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન કામગીરી માટે અન્ય કર્મચારીની ભરતી કરી અથવા શાળા દીઠ ક્લાર્ક મુકવા,એકમ કસોટીઓનું ભારણ ઓછું કરવું. તેમજ દશ વર્ષના બોન્ડ ધરાવતા શિક્ષકોને તાલુકા આંતરિક બદલી કેમ્પમાં બદલીનો લાભ આપવો, મહિલા પ્રસુતિ રજા બાબતેના ઠરાવમાં સુધારો કરવા જેવી બાબતનો સમાવેશ કરાયો હતો. અને હવે તેની રજૂઆત સરકારમાં કરાશે તેમ પ્રદેશ અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું.