નવી દિલ્હીઃ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક હૈદરાબાદ હાઉસમાં થઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ માલદીવમાં હનીમધુ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન માલદીવમાં RuPay કાર્ડ દ્વારા ચુકવણી શરૂ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ આ પ્રકારનો પ્રથમ વ્યવહાર જોયો હતો.
પીએમ મોદીએ કહ્યું, “ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે. ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને ગાઢ મિત્ર છે. અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને સાગર વિઝનમાં માલદીવનું મહત્વનું સ્થાન છે.”
તેમણે વધુમાં કહ્યું, “અમે સંરક્ષણ અને સુરક્ષા સહયોગના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી છે. એકતા હાર્બર પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અમે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીશું. કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવમાં ફાઉંડિંગ મેમ્બરના રૂપમાં જોડાવવા મુદ્દે માલદીવનું સ્વાગત છે.
ટ્વિટર પર એક પોસ્ટમાં બેઠક વિશે માહિતી આપતા વિદેશ મંત્રાલયે લખ્યું, “ભારત-માલદીવના વિશેષ સંબંધોને આગળ લઈ જઈ રહ્યા છીએ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.