સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકામાંથી પસાર થતી નર્મદાની માળીયા શાખા કેનાલ લીકેજ થતાં કેનાલ આજુબાજુની સેંકડો એકર જમીનમાં પાણી ફેલાય રહ્યું છે. આમ તો દર વર્ષે લીકેજ કેનાલનું લાખો લીટર પાણી રણમાં વેડફાય છે. આ ગંભીર પ્રશ્ન બાબતે જિલ્લા પંચાયત સદસ્યે ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી. માળીયા શાખા કેનાલને રીસરફેસ કરવા સરકારને રજુઆત કરવા વિનંતી કરી છે. આ કેનાલ 20 વર્ષથી વધુ જુની છે. તત્કાલિન સમયે ઈંટોથી કેનાલની દીવાલો બનાવી હોવાથી ઈંટો સસત પાણીના મારને લીધે ધોવાઈ ગઈ છે. એટલે કેનાલને રિસરફેસ કરવાની તાતી જરૂરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા શાખાની માળીયા નહેર જે લીલાપુરથી નીકળીને પાટડી તાલુકાના ગામડાઓમાંથી પસાર થઇ માળીયા, મોરબી અને છેક કચ્છ સુધી આ કેનાલથી ખેડૂતોને સિંચાઈનું પાણી પમ્પીંગ કરીને આપવામાં આવે છે. અને ખેડૂતો માટે આ કેનાલ ખુબ આશીર્વાદરૂપ સાબિત થઇ છે. આ કેનાલ જે તે સમયે ઈંટોથી બનાવવામાં આવી હતી. આ કેનાલને બન્યાને 20 વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે. તેના કારણે ઈંટો અંદરથી ધોવાઈ ગઈ છે. તેના કારણે કેનાલ અંદરથી પાણી લીકેજ થવાના કારણે છેલ્લા કેટલાંક સમયથી કેનાલ આજુબાજુની સેંકડો એકર જમીન બિન ઉપજાવું એટલે કે એકદમ બંજર થઇ ગઈ છે. બીજી બાજુ લીકેજ કેનાલનું લાખો લીટર પાણી રણમાં દર વર્ષે બેરોકટોક વેડફાય છે. આ પાણી દર વર્ષે ખારાઘોડા રણથી લઈને છેક ધ્રાંગધ્રાના કૂડા રણ સુધી પહોંચે છે. તેના કારણે ત્યાં મીઠું પકવતા અગરિયાઓની અવારનવાર રજૂઆતો પણ આવે છે. આથી આ કેનાલને અંદરથી નવી ટેક્નોલોજી પ્રમાણે આર.સી.સી. કરવામાં આવે તો વેસ્ટ થતા પાણીની બચત થાય તેમજ ખેડૂતોની જમીન તેમજ મીઠું પકવતા અગરીયા સમુદાયને થતું નુકશાન અટકાવી શકાય. આથી અગરિયાઓ અને ખેડૂતોના આ વિકટ પ્રશ્ન બાબતે કેનાલને વહેલી તકે રિસરફેસ કરવામાં આવે એવી માગ ઊઠી છે.