મલ્લીકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામુ આપ્યું
નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે અને કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે તથા શશી થરૂરએ ઉમેદવારી નોંધાવી છે. દરમિયાન વરિષ્ઠ નેતા મલ્લીકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામુ આપ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારે નોંધાવી છે તેમજ આ ચૂંટણીમાં તેમનો વિજય નિશ્ચિત હોવાનું મનાય છે. દરમિયાન તેઓ રાજ્યસભાના ગૃહના અધ્યક્ષ તથા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરેને મળ્યા હતા અને રાજીનામુ સુપ્રત કર્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
મલ્લીકાર્જુન ખડગેએ 2021ફેબ્રુઆરીમાં રાજ્યસભામાં વિપક્ષનું નેતાપદ સ્વીકાર્યું હતું. હવે કોંગ્રેસ પક્ષ તેમના સ્થાને નવા નેતા નિયુક્ત કરશે જેમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ, પક્ષના વરિષ્ઠ નેતા દિગ્વીજયસિંહ અને કે.સી. વેણુગોપાલન સહિતનો સમાવેશ થાય છે તેમાંથી એકને વિપક્ષનું નેતાપદ આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીમાં પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા અશોક ગહેલોત અને દિગ્વિજયસિંહનું નામ ચર્ચાયું હતું. જો કે, બંને નેતાઓએ અધ્યક્ષની ચૂંટણીમાં નહીં ઝંપલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.