વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં સમર્થન આપવા મામલે મમતા બેનર્જીએ કોંગ્રેસ સામે મુકી શરત
નવી દિલ્હીઃ પટનામાં 23 જૂને યોજાનારી વિપક્ષની બેઠક પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ માત્ર એક જ શરતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપવા તૈયાર છે, જો તેઓ રાજ્યમાં સીપીએમને ટેકો નહીં આપે તો સમર્થન આપવામાં આવશે. પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ સીપીએમ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. જેના કારણે મમતા ખૂબ નારાજ છે. નીતિશ કુમાર અને અરવિંદ કેજરિવાલ સહિતના નેતાઓ વિપક્ષને એક મંચ ઉપર લાવવાનું વિચારી રહ્યાં છે પરંતુ રાજકીય કારણોસર વિપક્ષોમાં જ એકતા નહીં હોવાનું લાગી રહ્યું છે.
લોકસભા ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વિપક્ષને એક કરવા પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષનું માનવું છે કે જો મોટાભાગની સીટો પર ભાજપ સામે માત્ર એક જ વિપક્ષી ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે તો 2024માં ભાજપનો પરાજય થઈ શકે છે. હવે મમતાની શરત વિપક્ષી એકતા માટે ફટકા સમાન છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાકદ્વીપમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું, “કોંગ્રેસ, જેણે ઘણા રાજ્યોમાં શાસન કર્યું છે, તે બંગાળમાં સીપીએમની સૌથી મોટી સાથી છે, અને જો તેઓ લોકસભાની ચૂંટણીમાં અમારી પાસેથી સમર્થનની અપેક્ષા રાખતા હોય તો, તેઓએ બંગાળમાં સીપીએમ પાસેથી સમર્થન પાછું ખેંચવું પડશે. મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “તેમને સંસદમાં અમારી મદદ જોઈએ છે. અમે હજી પણ ભાજપનો વિરોધ કરીશું. પરંતુ યાદ રાખો, બંગાળમાં જો તમે સીપીએમ સાથે છો, તો લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અમારી મદદ લેવા ના આવે.