ઘુસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યાં છે મમતા બેનર્જીઃ અમિત શાહ
કોલકત્તાઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનો ભાજપા દ્વારા પ્રચાર-પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના માલદા દક્ષિણમાં રોડ શો યોજ્યો હતો. રોડ-શો દરમિયાન અમિત શાહે મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ભાજપા 30થી 35 બેઠકો ઉપર જીતશે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી સીએએનો વિરોધ કરી રહ્યાં છે અને શરણાર્થીઓને નાગરિકતા મળવા દેતા નથી. ટીએમસી શાસન હેઠળ પશ્ચિમ બંગાળમાં લોકો સતત ઘુસણખોરી કરી રહ્યાં છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટીએમસી જેવા ભ્રષ્ટાચારીઓને હટાવવા પડશે, અહીં કટમનીની સંસ્કૃતિને ખતમ કરવી પડશે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું, સમગ્ર દેશની સાથે પશ્ચિમ બંગાળની જનતાને મોદીની ગેરંટીનો ભરોસો છે. અહીં નાણા વસુલીના કલ્ચરને ખતમ કરવા માટે તૃણમૂલ કોંગ્રેસની હાર સુનિશ્ચિત કરવી પડશે. આજે હનુમાન જ્યંતિ છે અને 22મી જાન્યુઆરી 2024માં મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. 500 વર્ષથી રામલલા ટેંટમાં હતા. બંગાળમાં વર્ષ 2019માં ભાજપાને 18 બેઠકો મળી હતી. આ વર્ષે 35 બેઠકો ઉપર જીત થશે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘુસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24 કલાકમાં બીજી વખત પશ્ચિમ બંગાળ ગયા હતા. ગત રવિવારે ઉત્તર બંગાળમાં જનસભા યોજાવાની હતી, તેઓ સિલીગુડી પણ ગયા હતા પરંતુ ખરાબ વાતાવરણને કારણે હેલિકોપ્ટર લેન્ડ થઈ શક્યું ન હતું. જેના કારણે તેઓ પરત બિહાર ગયા હતા અને મંગળવારે ફરી એકવાર પશ્ચિમ બંગાળ આવ્યાં હતા.