Site icon Revoi.in

મમતા બેનર્જીની સરકાર લોન પર લોન લઈ રહી છે, બંગાળના લોકો થઈ શકે છે કંગાળ

Social Share

કોલકત્તા: વર્ષ 2011માં જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર સત્તામાં આવી ત્યારે તેને શાસનના વારસા તરીકે 1.94 કરોડની લોન મળી હતી. હવે નાણાકીય વર્ષ 2021-22ના અંતે લોનની રકમ રૂપિયા 5.50 લાખ કરોડને વટાવી ગઈ છે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના કેટલાક ખોટા નિર્ણયના કારણે તે રાજ્યની સામાન્ય જનતા પર ભારે આર્થિક બોજ પડી શકે છે અને કેટલીક જીવનજરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ પણ વધી શકે છે.

કેટલાક અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે રાજ્ય સરકાર દેવાની જાળમાં ફસાઈ જવાની અણી પર છે, કારણ કે તે અગાઉની લોન ચૂકવવા માટે નવી લોનનો આશરો લઈ રહી છે. અર્થશાસ્ત્રીઓ એવું પણ માને છે કે, હાલમાં પશ્ચિમ બંગાળમાં દેવું અને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ રેશિયો (GSDP) 30 ટકા સુધી પહોંચી ગયો છે અને જ્યારે તે 50 ટકા સુધી પહોંચશે ત્યારે વસ્તુઓ નિયંત્રણમાંથી બહાર નીકળી જશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સૂચના અનુસાર, ભારતના કુલ 13 રાજ્યો 28 ફેબ્રુઆરીએ ઓપન માર્કેટમાંથી કુલ 22,203 કરોડ રૂપિયા ઉધાર લેવા જઈ રહ્યા છે. ઋણ લેનારા રાજ્યોની યાદીમાં પશ્ચિમ બંગાળ ટોચ પર છે, તે 3,000 કરોડની લોન લઈ રહી છે. અગાઉ, રાજ્ય સરકારે છેલ્લા બે કેલેન્ડર મહિનામાં પાંચ તબક્કામાં કુલ રૂપિયા 13,000 કરોડનું ઉધાર લીધું હતું. રાજ્ય સરકારે જાન્યુઆરીમાં ત્રણ તબક્કામાં અને તે પહેલાં ડિસેમ્બરમાં બે તબક્કામાં લોન લીધી હતી. આ રીતે, રાજ્ય સરકારે 15 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી વચ્ચેના 72 દિવસના સમયગાળા દરમિયાન રૂપિયા 16,000 કરોડની લોન લીધી છે.