નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. સમગ્ર ઘટનાની રાજ્ય અને કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લીધી હતી. તેમજ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે હિંસાની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરીને વિપક્ષી પાર્ટીઓને પત્ર લખ્યો હતો. એટલું જ નહીં વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવવાની માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીએ સમગ્ર દેશમાં વિપક્ષી નેતાઓને પત્ર લખ્યાં છે. તેમજ ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દૂરઉપયોગ કરતી હોવાનો પત્રમાં આક્ષેપ કર્યો હતો. તેમજ આ મુદ્દે ચર્ચા કરવા માટે બેઠક બોલાવવાની માંગણી કરી હતી. મમતા બેનર્જીએ પત્રમાં લખ્યું છે કે, કેન્દ્રની ભાજપ સરકાર દેશમાં ક્યાંય પણ ચૂંટણી હોય ત્યારે વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્રીય એજન્સીએ એક કેસમાં એનસીબીના નેતાની અટકાયત કરી હતી. આ ઉપરાંત અગાઉ પણ વિવિધ કેસમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા રાજકીય આગેવાનોની અટકાયત કરી હતી.