દિલ્હીઃ ભારતમાં જ રહીને પડોશી દેશ માટે જાસુસી કરતા હરપાલસિંહ નામના એક જાસુસને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો છે. આ શખ્સ છેલ્લા 3 વર્ષથી ભારતીય સેના અને બીએસએફની ગુપ્ત માહિતી એકત્ર કરીને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને મોકલતો હતો. સુરક્ષા એજન્સીઓ પોતાની સુધી પહોંચી ન શકે તે માટે હરપાલ સિંહ વિદેશી મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય સુરક્ષા એજન્સીઓએ હરપાલસિંહ નામના 35 વર્ષીય શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ 3 વર્ષથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને ભારતીય સેના અને બીએસએફની ગુપ્ત માહિતીઓ મોકલતો હતો. ભારતમાં રહીને વિદેશી નંબરની મદદથી ગુપ્ત માહિતી મોકલી રહ્યો હતો. આરોપી ઓમાનના 2, પાકિસ્તાનના 4 અને બાંગ્લાદેશના બે મળીને 12 જેટલા વિદેશી નંબર ઉપરથી ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને પહોંચાડતો હતો. એટલું જ નહીં પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ સાથે વોટસએપમાં કોલ કરીને વાત કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પાકિસ્તાનમાં રહેલા પોતાના આઈએસઆઈ હેન્ડલર જસપાલને ગુપ્ત માહિતીઓ મોકલતો હતો. એટલું જ પાકિસ્તાનમાં રહેલો જસપાલ ભારતીય નંબર વાપરે છે. આ ભારતીય નંબર હરપાલે જ જસપાલને પહોંચાડ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપી હરપાલને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 10 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
સુરક્ષા એજન્સીના અધિકારીઓના કહેવા પ્રમાણે વિદેશી નંબર દ્વારા ભારતીય ગુપ્ત માહિતી મોકલીને તે સુરક્ષા એજન્સીઓથી બચવા પ્રયત્ન કરી રહ્યો હતો. વિદેશી નંબરને લોકેટ કરવો મુશ્કેલ હોય છે.