Site icon Revoi.in

માણસ માનવતા નેવે મુકી બન્યો રાક્ષસઃ 38 કપિરાજોને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યાં

Social Share

બેંગ્લોરઃ એક વ્યક્તિ બીજા વ્યક્તિની હત્યા કરે તેવા બનાવો અવાર-નવાર સામે આવે છે, પરંતુ કેટલાક લોકો મુંગા પશુઓ ઉપર પણ અત્યાચાર ગુજારીને રાક્ષસી કૃત્ય કરતા પણ ડરતા નથી. આવો જ કંઈક બનાવ કર્ણાટકના ચૌદાનહલ્લી ગામમાં બન્યો છે. જ્યાં અસામાજીક તત્વોએ 50થી વધારે ઝેરી પદાર્થ ખવડાવીને કોથળામાં પુરીને માર માર્યો હતો. ત્યાર બાદ નજીકના ગામ પાસે રોડની સાઈડમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. માનસિક વિકૃત શખ્સોએ આચરેલા આ કૃત્યમાં 38 જેટલા કપિરાજના મોત થયાં હતા. જ્યારે 20 વાનરની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે સ્થાનિકોએ અસમાજીક તત્વો સામે ફીટકાર વરસાવીને તેમની સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાસન જિલ્લાના ચૌદાનહલ્લી ગામમાં વાનરોને ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો. ઝેરની અસર થતા અસામાજીક તત્વોએ તેમને કોથળામાં ભરીને મારક હથિયારો વડે માર માર્યો હતો. એટલું જ નહીં  ચૌદાનહલ્લી ગામની પાસે રોડ કિનારે ફેંકીને જતા રહ્યા હતા. આ અંગેની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.  તેમજ વાનરોમાંથી 20 વાનરોને ગામ લોકોએ તાત્કાલિક પાણી આપ્યું હતું. રોડ કિનારે પડેલી બોરીઓ રાહદારીઓએ ખોલી તો અંદર જોઈને ડઘાઈ ગયા. અમુક ગામલોકોનું કહેવુ છે કે, બોરીઓમાં ભરીને વાંદરાઓને ખૂબ માર માર્યો છે. જે વાનરો બચી ગયા હતા, જે શ્વાસ લેવામાં હાંફી રહ્યા અને હલનચલન પણ કરી શકતા નહોતા.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો વનવિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતક વાનરોના અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી હતી. તેમજ પોલીસે ગુનો નોંધીને અસામાજીક તત્વોને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક રિપોર્ટમાં તેમને ઝેર આપવામાં આવ્યાનું સામે આવ્યું છે. ચેક પોસ્ટ પર સ્થાનિક લોકોની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. ટ્રકમાં લાવીને અહીં ફેંકી દેવામાં આવ્યા હોવાનું પોલીસ માની રહી છે.

(Photo-File)