- રાજસ્થાનથી સ્કોર્પિયો કારમાં પોશડોડાનો જથ્થો લવાયો હતો,
- પોલીસને જોઈ નાસવા જતાં સ્કોર્પિયોકાર રસ્તાની સાઈડમાં ફસાઈ ગઈ,
- પોશના ડોડા અને જીવતા કારતૂસ કોને આપવાના હતા ? પોલીસની પૂછતાછ
ડીસાઃ બનાસકાંઠા સરહદી જિલ્લો છે. રાજસ્થાનથી વિદેશી દારૂ સહિત નશીલા પદાર્થો પણ ઘૂંસાડવામાં આવતા હોવાથી પોલીસની પણ રાજસ્થાન તરફથી આવતા વાહનો પર બાજ નજર રહેતી હોય છે. ત્યારે ડીસાના ઝેરડા ગામ નજીક હાઈવે પરથી વાહનને અટકાવીને પોલીસે પોશડોડાનો જથ્થો ઝડપાયો હતો. તેમજ વાહનની તલાસી લેતા 50 જીવતા કારતૂસો પણ મળી આવ્યા હતા.
રાજસ્થાનથી ગુજરાતમાં પશોડોડાનો જથ્થો લાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. દિનેશ બિશ્નોઈ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, ડીસા તાલુકાના જેરડા નજીકથી સોમવારે સાંજે રાજસ્થાન તરફથી આવેલી એક સ્કોર્પિયોની તલાસી લીધી હતી. જેમાંથી પોષડોડા, 50 જીવતા કારતુસ મળી આવ્યા હતા. આ અંગે કુલ રૂપિયા 10.36 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ડીસા તાલુકાના જેરડા નજીક તાલુકા પોલીસની ટીમે રાજસ્થાન તરફથી આવતી સ્કોર્પિયો કારને ઉભી રાખવાનો ઇશારો કર્યો હતો. જોકે, ચાલક સ્કોર્પિયો લઇને નાસવા જતાં જીપ રસ્તાની સાઇડમાં ફસાઇ ગઇ હતી. પોલીસે જીપમાં તપાસ કરતાં અંદરથી 16 જેટલા કટ્ટા પ્રતિબંધિત પોષડોડા મળી આવ્યા હતા. આ ઉપરાંત 50 જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા. આ અંગે કુલ રૂપિયા 10.36 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ સ્કોર્પિયોના ચાલક દિનેશ રાણારામ વિશ્નોઇ (રહે. હનુમાન ઢાણી, ચિતલવાણા, તાલુકો સાંચોર રાજસ્થાન)ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.