ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતીના બીજા રાઉન્ડ માટે ત્વરિત નિર્ણય લેવા સંચાલકોની માગ
અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો કર્માચારીઓ અને શિક્ષકો પોતાના પ્રશ્ને છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે. કારણ કે, શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીઓની ખાલી જગ્યાઓ પુરાતી નથી. ધણીબધી શાળાઓમાં તો આચાર્યોની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી છે, આથી શાળાઓની વહિવટી કામગીરી પર વિપરિત અસર પડતી હોવાની રજુઆતો બાદ શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યોની ભરતી પ્રકિયા શરૂ કરી હતી. જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થવામાં છે. ત્યારે ભરતીના બીજો રાઉન્ડની પ્રકિયા શરૂ કરવામાં આવી નથી, આથી શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગને રજુઆત કરીને બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા ત્વરિત શરી કરવા માગ કરવામાં આવી છે.
રાજ્ય શાળા સંચાલક મંડળનાં પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરમાં આચાર્યની ભરતી કરવામાં આવી રહી છે. એક રાઉન્ડ પૂર્ણ થવામાં છે. ત્યારે બીજો રાઉન્ડ શરૂ કરવા શાળા સંચાલક મંડળે માગ કરી છે, કારણ કે, અત્યારે રાજ્યમાં 400 ખાલી જગ્યા સહિત કુલ 700 જગ્યા પર આચાર્યની ભરતી કરવાની છે. શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, શૈક્ષણિક સ્ટાફની વર્ષમાં 2 વખત ભરતી કરવામાં આવે છે. અત્યારે આચાર્યની ભરતીનો પ્રથમ રાઉન્ડ ચાલી રહ્યો છે, જે 31 ઓગસ્ટ સુધી ચાલશે. રાજ્યમાં અત્યારે 400 આચાર્યની જગ્યાઓ ખાલી છે. 150 કરતાં વધુ આચાર્ય આગામી સમયમાં નિવૃત્ત થવાના છે અને 175 આચાર્ય માતૃ સંસ્થા છોડીને અન્ય સંસ્થામાં જોડાઈ ગયા છે એટલે કુલ 700 કરતાં વધુ આચાર્યની જગ્યા ખાલી પડી છે.
શાળા સંચાલક મંડળે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ શાળાઓમાં હાલ ચાલી રહેલી ભરતી પ્રક્રિયા 31 ઓગસ્ટે પૂરી થશે પરંતુ ત્યારબાદ જગ્યા ખાલી રહેશે. જેથી આચાર્યની ભરતીના બીજા રાઉન્ડ માટે તાત્કાલિક નવું જાહેરનામું બહાર પાડવામા આવે તે ખૂબ જ આવશ્યક છે.નવા જાહેરનામા વર્તમાન રાઉન્ડ અને અગાઉના રાઉન્ડમાં જે HMAT પાસ કરેલા ઉમેદવારો આચાર્ય તરીકે કામ કરી રહ્યા છે તે આ રાઉન્ડમાં ભાગ લઈ શકતા નથી.અગાઉ અને વર્તમાન રાઉન્ડમાં આચાર્ય પસંદગી માટે HMAT થયેલો ઉમેદવારના આચાર્યની નિમણૂક વિના રહી ગયેલા તમામ ઉમેદવારોની અરજી કરવાનો અધિકાર હોવો જોઈએ.રાજ્યમાં આચાર્યની ભરતી થશે તો શિક્ષણનું સ્તર સુધરશે.(File photo)