Site icon Revoi.in

વિકલ્પ અપાયો હોય એવી ગ્રાન્ટેડ શાળાઓને ફી વધારાની મંજુરી આપવા સંચાલકોની માગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં જે ગ્રાન્ટેડ શાળાઓને સરકાર દ્વારા નિભાવ ગ્રાન્ટ મળતી નથી, તેવી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી નિયત કરેલી ફી વસુલતી હોય છે. આ ફી અપુરતી છે. એનાથી શાળા સંચાલનનો ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. ત્યારે ફી વિકલ્પવાળી શાળાઓની ફીમાં વધારો કરવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ અને શિક્ષણ નિયામકને લેખિત રજૂઆત કરી માગણી કરી છે. ફી વિકલ્પ ધરાવતી સ્કૂલોમાં 2017 બાદ કોઈ વધારો ન થતા રાજ્ય શાળા સંચાલક મહામંડળે કમિશનર ઓફ સ્કૂલને પત્ર લખીને 50 ટકા ફી વધારો આપવાની માંગ કરી છે.

શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં એવી રજુઆત કરી છે. કે, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને પ્રતિ માસ તેમના બેંક ખાતામાં સીધા પગાર યોજના હેઠળ પગાર જમા કરાવવાની શરૂઆત થઈ અને શાળા સંચાલકોને શાળાના નિભાવ માટે નિભાવ ગ્રાન્ટ આપવાની શરૂઆત થઈ હતી. સરકારે નિભાવ ગ્રાન્ટમાંથી પોતાનો ફાળો ઓછો કરવા માટે નિભાવ ગ્રાન્ટની સામે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને નિભાવ ગ્રાન્ટ જતી કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલીને શાળાની નિભાવ કરવાની યોજના અમલમાં મૂકી. આમ ફી વિકલ્પોવાળી શાળાઓ અસ્તિત્વમાં આવી હતી.

રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં નિભાવ ગ્રાન્ટના સ્લેબ સુધારવાની સાથે સાથે રાજ્યમાં ચાલતી ફી વિકલ્પવાળી ગ્રાન્ટેડ શાળાઓની ફીમાં પણ વધારો કરવાની જરૂરિયાત છે. તા.14/07/2017ના ઠરાવ બાદ આજે 7 વર્ષનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે દર વર્ષે 7% ફી વધારો ગણવામાં આવે તો વર્તમાન ફીમાં અંદાજે 50% ફી વધારો આપમેળે મળવાપાત્ર થાય તેવું અમારું નમ્રપણે માનવું છે. આવા સંજોગોમાં આ રજૂઆતને અગ્રતા આપી નિભાવ ગ્રાન્ટના સ્લેબ તથા ફી વિકલ્પોવાળી શાળાઓની ફીના સ્લેબમાં સુધારો કરવા જણાવ્યું છે.

તેમણે ઉમેર્યુ હતું કે, વિકલ્પવાળી ગ્રાન્ટેડ શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી નિયત કરેવી ફી વસુલે છે. એમાં 2017થી અત્યાર સુધીમાં વધારો કરાયો નથી, એટલે 50 ટકા ફીમાં વધારો કરવાની મંજુરી આપવી જોઈએ.