Site icon Revoi.in

ગ્રાન્ટેડ શાળાઓમાં ફાયર સેફ્ટી અને સીસીટીવીનો ખર્ચ આપવા સરકારને સંચાલકોની રજુઆત

Social Share

ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ સીસીટીવી લગાવવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. ત્યારે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ પાસે ફાયર સેફ્ટી અને સીસીટીવી લગાવવાના ખર્ચનું બજેટ નથી. આથી ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળે રાજ્યના નાણા મંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે. કે, રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં એક હજાર કરોડ રૂપિયા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના ઓરડાના બાંધકામ, રીપેરિંગ, સમારકામ માટે વાપરવાના છે. જેમાં સીસીટીવી કેમેરા અને અગ્નિસામક સાધનો વસાવી આપવા તેવી માગ કરવામાં આવી છે.

રાજ્ય શાળા સંચાલક મંડળે નાણામંત્રી કનુ દેસાઈને પત્ર લખીને એવી રજુઆત કરી છે. કે,  ગુજરાત સરકારે બજેટમાં 1000 કરોડ રૂપિયા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલોના ઓરડાના બાંધકામ, રીપેરિંગ, રંગરોગન, સમારકામ માટે ફાળવ્યા છે. જેમાં 80 ટકા રકમ સરકારની તથા 20 ટકા રકમ શાળા મંડળ દ્વારા ભરવાની છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર વગેરે શૈક્ષણિક સાધનો વિના મૂલ્ય ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ત્યારે લાઈન દોરી ઉપર શાળાના બિલ્ડિંગને ધ્યાનમાં રાખીને અગ્નિશામક સાધનો પણ વસાવી આપવા જોઈએ.

ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ દ્વારા એવી રજુઆત કરવામાં આવી છે. કે, આધુનિક યુગમાં સીસીટીવીની જોગવાઈ શોખ માટે નહીં પરંતું ફરજિયાત છે. આ સંજોગોમાં 80 ટકા + 20 ટકાની જોગવાઈમાં શાળામાં સીસીટીવી પણ આપવા જોઈએ. જેથી ગાંધીનગર વિદ્યા સમિક્ષા કેન્દ્રમાં બેસીને શિક્ષણ સચિવ રાજ્યમાં ચાલતા વર્ગખંડના શિક્ષણનું ઓનલાઇન નિરીક્ષણ કરી શકે અને જ્યાં જરૂર જણાય ત્યાં સુધારણા માટે ઓનલાઇન સૂચનો પણ આપી શકે છે. ધારાસભ્યો અને સાંસદ સભ્યો ફાયર સલામતી, સીસીટીવી કેમેરા, કમ્પાઉન્ડ વોલ, ટોયલેટ બોક્સ અને પ્રાર્થનાખંડ જેવી સુવિધા ઉભી કરવા માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને તેમની વિકાસ ગ્રાન્ટમાંથી સહાયતા થઈ શકે તે કામોની યાદીમાં સમાવેશ કરવા વિનંતી  કરવામાં આવી છે.