મલ્ટિપ્લેક્સ અને સિનેમાગૃહના સંચાલકો પણ હવે સરકાર મંજુરી આપે તેની રાહ જોઈ રહ્યા છે
અમદાવાદઃ કોરોનાને કારણે મલ્ટિપ્લેક્ષ અને સિનેમા ઉદ્યોગને સારૂ એવું નુકશાન થયુ છે. છેલ્લા મહિનાથી કોરોનાના કેસમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. વેપાર-ધંધા રાબેતા મુજબ બની ગયા છે, પણ હજુ મલ્ટિપ્લેક્ષ, સિનેમા ગૃહોને શરૂ કરવાની મંજુરી આપવામાં આવી નથી. જો કે લોકોમાં હજુ પણ કોરોનાનો ડર હોવાથી મલ્ટિપ્લેક્ષ,સિનેમા ગૃહોમાં ફિલ્મો જોવા આવશે કે કેમ તે પ્રશ્ન છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની પહેલી લહેર બાદ જ્યારે મલ્ટિપ્લેક્સ અને મિનીપ્લેક્સ શરૂ થયાં ત્યારે જૂની ફિલ્મોને ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. એક અઠવાડિયા બાદ નવી ફિલ્મો રિલીઝ થઈ હતી. ત્યારે માત્ર 25 ટકા જેટલા લોકો જ થિયેટરમાં આવતા હતા, પરંતુ કોરોનાની બીજી લહેર આવતાં થિયેટરોએ બંધ રાખવાનું નક્કી કર્યું હતું.
મલ્ટિપ્લેક્સ એસોસિયેશનનું કહેવું છે કે ‘સરકારે આશ્વાસન આપ્યું છે કે જેમ ધીમે-ધીમે બધું શરૂ થયું એમ થિયેટરો પણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો થિયેટર્સ શરૂ થશે તોપણ એક-બે અઠવાડિયાં પછી લોકો આવશે. શહેરમાં આવેલાં કુલ 50 મલ્ટિપ્લેક્સને કોરોનામાં આશરે 350 કરોડનું નુકસાન થયું છે. થિયેટરમાં ફિલ્મ જોવાની જે ફીલ છે એ બીજા કોઇ સેટઅપમાં નથી. અમુક ફિલ્મો એવી હોય છે જેને જોવાની મજા મોટી સ્ક્રીન પર જ આવે છે.
મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવી ખાસ કરીને ફની બોલિવૂડ કે પછી અન્ય કોઈ વિષય એ સ્ટ્રેસ બસ્ટર જેવું કામ કરી શકે છે. બિઝનેસના દૃષ્ટિકોણથી જોઈએ તો જેમ અન્ય ઇન્ડસ્ટ્રી ખોલવામાં આવી છે તેમ મલ્ટિપ્લેક્સ પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે ખોલવાં જોઇએ. તેવી માગ ઊઠી છે. હાલ થિયેટર્સ બંધ છે પણ તેના સંચાલકોને તો દર મહિને 5 લાખ રૂપિયા મેઇન્ટેનન્સ માટે જુદા રાખવા પડે છે. જો થિયેટર્સ શરૂ થઈ જશે તો પણ મૂવી જોનારા લોકો તરત થિયેટર તરફ નહીં વળે. કોરોનામાં ગુજરાતમાં થિયેટર્સને આશરે 1200 કરોડનું નુકસાન થયું હોવાનો એસો દ્વારા દાવો કરવામાં આવ્યો છે.