નવી દિલ્હીઃ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ભૂતપૂર્વ નેતા ફવાદ ચૌધરીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી, જેઓ એક સમયે ઈમરાન ખાનના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. ચૌધરીની પત્નીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ધરપકડની માહિતી આપી હતી. પીટીઆઈના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ ગત મે મહિનામાં ઈમરાન ખાનની પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં તેઓ ઇસ્તેહકામ-એ-પાકિસ્તાન પાર્ટીના સભ્ય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફવાદ ચૌધરીની પત્ની હિબા ફવાદે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે, ફવાદની ધરપકડ કરવામાં આવી છે અને તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યાં છે. ફવાદ ચૌધરીના ભાઈએ ફૈસલ ચૌધરીએ પણ ફવાદની ધરપકડની પૃષ્ટી કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફૈસલ ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે, ફવાદ ચૌધરીને તેમના ઈસ્લામાબાદના નિવાસસ્થાનમાંથી કેટલાક યુનિફોર્મધારી અધિકારીઓએ ધરપકડ કરી હતી જ્યારે તેઓ ઘરે નાસ્તો કરી રહ્યા હતા. ફવાદ ચૌધરીના ભાઈ ફૈઝલ ચૌધરીએ વધુમાં દાવો કર્યો કે મારી વારંવાર વિનંતી કરવા છતાં તેમણે કોઈ ધરપકડ વોરંટ કે આદેશ દર્શાવ્યો નથી. આવી સ્થિતિમાં મને મારા ભાઈની સલામતી અંગે ગંભીર આશંકા છે. અમારો આખો પરિવાર ચિંતિત છે કે તેને શા માટે અને ક્યાં લઈ જવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, ફવાદની ધરપકડ પીટીઆઈ નેતા અસદ કૈસરની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થયાના દિવસો બાદ થઈ છે. 9 મેના રોજ પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા, ત્યારબાદ પીટીઆઈના ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ફવાદે ઉતાવળે પીટીઆઈ સાથેના સંબંધો તોડી નાખ્યા.