અમદાવાદઃ સોનાના દાગીનામાં હવે હોલમાર્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. ગ્રાહકો છેતરાઈ નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાહક સોનાના ઝવેરાત ખરીદે છે તે શુધ્ધ હોવાનો વિશ્વાસ ગણાતું હોલમાર્કનું નિશાન હવે ફરજિયાત થઇ ગયું છે. કોઇપણ ઝવેરી હોલમાર્ક સિવાયના ઝવેરાત વેંચશે તો દંડ અને સજાને પાત્ર છે.
2000ના વર્ષથી ઝવેરીઓ હોલમાર્કનો અમલ કરવા લાગ્યા હતા. અત્યાર સુધી 90 ટકા જેટલો રેશિયો હતો અને હવે બધાએ ફરજિયાત હોલમાર્ક કરવાનું છે. જોકે હોલમાર્ક સોનું વેંચનારા ઝવેરીઓ માટે હવે તૈયાર દાગીનાનું એડિટીંગ અને હોલમાર્કના ફોટોગ્રાફ વગેરે રાખવાનું કાર્ય કપરું બની રહેવાનું છે.
જ્વેલર્સના કહેવા મુજબ ગ્રાહકોને શુધ્ધ સોનું આપવાનો હેતુ સારો છે પરંતુ સરકાર ઝવેરીઓ ઉપર એક પછી એક બોજ નાંખી રહી છે એનાથી સરવાળે ધંધો ખતમ થઇ રહ્યો છે. હોલમાર્કને લીધે પણ ઝવેરીઓને ઘણી જ સમસ્યા થવાની છે.
સોનાના દાગીનામાં હવે હોલમાર્ક ફરજિયાત કરવામાં આવ્યો છે, શો રુમોમાં રાખવામાં આવેલા ઝવેરાત હોલમાર્ક કરીને રાખવાનો નિયમ છે. જે તે ઝવેરાત ગ્રાહક પસંદ કરે અને એમાં એડિટીંગ કરવાનું કહે તો વજનમાં ફેરફાર કરવો પડે. ખરેખર તો હોલમાર્કના સર્ટિફિકેટમાં વજન સહિતની વિગતો ફિક્સ હોય છે.
એડિટીંગ પછી દાગીનાને કાયદેસર ગણવો કે ગેરકાયદે એ મોટો પ્રશ્ન સર્જાયો છે. નિયમ અનુસાર 2 ગ્રામ ઉપરની દરેક વસ્તુ હોલમાર્ક કરવાની છે. દરેક દાગીનાનો ફોટોગ્રાફ સાચવવાનું કામકાજ અઘરું છે. એમાં ય વળી એડિટ કર્યા પછી વેચાણ થયું હોય ત્યારે ઝવેરીની વિગત અને ગ્રાહકની વિગતમાં તફાવત આવે તો મુશ્કેલી પડી શકે છે. કારણ કે સજા અને દંડ થઇ શકે છે.
રાજકોટના એક હોલસેલ ઝવેરાત બનાવનાર ઝવેરીએ જણાવ્યું કે, હોલમાર્ક અત્યારે 90 ટકા લોકો કરી રહ્યા છે. 10 ટકા હવે કરશે. પરંતુ તેનાથી સમસ્યા વધશે. ખાસ તો હોલમાર્ક ન હોય કે કોઇ ભૂલ થાય તેવા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઇ છે એ વધારે પડતી છે. ઝવેરીની સીધી ધરપકડ થાય અને પછી જામીન મળે એવી જોગવાઇ વાજબી નથી. દંડ જેટલી સજા પૂરતી છે.
સોના પર હોલમાર્ક ડાયમંડના પગલે લાગુ કરવામાં આવ્યો છે. ડાયમંડની સ્થિતિ સમૂળગી જુદી હોય છે. ડાયમંડમાં લેબ સર્ટિફિકેટ થયા પછી તે ઓનલાઇન જોવા મળે છે અને એમાં પછી કોઇ ફેરફાર શક્ય હોતો નથી. સોનામાં ફેરફાર કરવાનું પ્રતિગ્રાહકે આવે છે. સરવાળે ગ્રાહકોની મુશ્કેલી પણ વધી શકે છે.
ગ્રાહકો અત્યારે પણ ઝવેરીઓ પાસે તૈયાર મોટેભાગે એડિટીંગ કરાવતા જ હોય છે. કારણ કે વિંટી જેવી નાની વસ્તુ હોય કે મોટી તૈયાર બનેલી પહેરી શકાય તેવી હોતી નથી. આમ જો ઝવેરીઓ એડિટ ન કરે તો ગ્રાહકોને પસંદગીમાં સમસ્યા થાય છે. એ સિવાય ગ્રાહકો નવું બનાવે તો જ તે શક્ય છે. હોલમાર્કની સામે કોઇને સમસ્યા નથી.
વેચનારા તેની ફી પણ બીઆઇએસને સરળતાથી ભરશે પણ હવે રેકોર્ડ સાચવવાથી માંડીને દાગીનાના વજન અને હોલમાર્ક સર્ટિ સાચવવાની કડાકૂટ અકળાવનારી છે એમ ઝવેરીઓ કહે છે. એટલું જ નહીં ફરીથી બે નંબરનું કામકાજ કરનારો વર્ગ પણ વધવાની શક્યતાએ જોર પકડ્યું છે.