ભૂજઃ કચ્છનો માંડવી બીચ સહેલાણીઓ માટે આકર્ષનું કેન્દ્ર છે. જિલ્લા અને બહારથી પણ અનેક લોકો બીચની મોજ મહાણવા આવે છે. તેના લીધે સ્થાનિક લોકોને પણ સારીએવી રોજગારી મળે છે. પણ કોરોનાના લીધે પ્રવાસીઓ બીચની મુલાકાતે આવવાનું ટાળી રહ્યા છે. તેના લીધે બીચ સુનકાર બની ગયો છે. તેથી સ્થાનિક રોજગારી પર અસર પડી છે.
કચ્છના લોકો માંડવીના દરિયા કિનારે આવીને પ્રસંગને યાદગાર બનાવતા હતા. આ સાથે હરવા ફરવા અને માનસિક રિલેક્સ થવા પણ લોકોનો ઘસારો બારેમાસ ચાલુ જ રહેતો હતો. તેમાં કચ્છ , સૌરાષ્ટ્ર અને વિદેશમાંથી પણ સહેલાણીઓ આવીને આનંદ માણતા હતા. જે દ્રષ્યો અત્યારે અતીત બની ગયા છે. માંડવીમાં પણ કોરોના સંકમણ વધતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી જેના અટકાવવા અને બચાવ માટે સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરાયું હતું.ત્યાર બાદ સરકારી જાહેરનામા અંતર્ગત જાહેર સ્થળોએ ભીડ ઓછી કરવા માંડવી બીચ બહારના લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે અહીં ઘૂઘવતા દરિયાના અવાજ સાથે લોકોની આનંદિત ચિચિયારીઓનો અભાવ વાતાવરણને સુનકાર બનાવી જાય છે. પરંતુ જે રીતે પોતાની લહેરથી કિનારાને ભીંજવી જતા દરિયાદેવ, ફરી એકવાર જલ્દી જ આ કોરોનારૂપી મહામારીની લહેરને પણ અટકાવી માંડવી બીચને ફરી ધબકતો કરશે
માંડવી બીચ ઉપર સહેલાણીઓના મનોરંજન માટે વ્યવસાય કરતા અને ચટાકેદાર ખાણી પીણી પુરી પાડતા અનેક નાના વર્ગના ધંધાર્થીઓ બીચ પર લાદયેલા પ્રતિબંધોના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. બીચ પર જે લોકો હોર્ષ રાઈડિંગ, કેમલ સવારી, ઇલેક્ટ્રિક બોટ રાઈડિંગ, અને ખાણી પીણીનો ધંધો કરતા અનેક રોજનું કરી ખાતા ધંધાર્થીઓ માટે હાલ કોરોનાકાળમાં ખૂબ કપરો કાળ ચાલી રહી છે. આ લોકોના પરિવાર નિભાવ પર ખૂબ અસર થઈ રહી છે.