બેંગ્લોરઃ કર્ણાટકના મેંગલુરુમાં એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં એન્જિનિયરિંગના ત્રણ વિદ્યાર્થિનીઓના ડૂબી જવાથી મોત થયા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ પ્રકરણમાં પોલીસે સોમવારે રિસોર્ટના માલિક અને તેના મેનેજરની ધરપકડ કરી હતી. મેંગલુરુ પોલીસ કમિશ્નર અનુપમ અગ્રવાલે જણાવ્યું હતું કે ત્રણેય એન્જિનિયરિંગ વિદ્યાર્થિનીઓ 16 નવેમ્બરના રોજ મેંગલુરુ પહોંચી હતી અને ઉલ્લાલ પોલીસ સ્ટેશન વિસ્તારના સોમેશ્વર ગામમાં બીચ પર સ્થિત રિસોર્ટમાં રોકાઈ હતી.
તેણે જણાવ્યું કે રવિવારે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ એક વિદ્યાર્થિની સ્વિમિંગ પૂલમાં ન્હાવા ગઈ હતી પરંતુ સ્વિમિંગ પુલ ઉંડો જોવાથી વિદ્યાર્થિની પાણીમાં ડૂબવા લાગી હતી. જેથી તેને બચાવવા માટે અન્ય વિદ્યાર્થિનીએ પાણીમાં છલાંગ લગાવી હતી પરંતુ તે પણ ડૂબવા લાગી હતી, ત્યારબાદ ત્રીજી વિદ્યાર્થિનીએ પણ બંનેને બચાવવાના પ્રયાસમાં સ્વિમિંગ પુલમાં કૂદી પડી હતી.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અકસ્માતમાં ત્રણેય વિદ્યાર્થિનીઓના મોત થયા હતા. ત્રણેય મૈસુરની રહેવાસી હતી. તેમણે કહ્યું કે ઘટના સમયે ત્યાં કોઈ પ્રશિક્ષક કે ‘લાઈફ ગાર્ડ’ હાજર ન હતા અને રિસોર્ટના સ્ટાફને ઘટનાની માહિતી મળી ત્યાં સુધીમાં ત્રણેય વિદ્યાર્થિનીઓનું મોત થઈ ગયા હતા.
અગ્રવાલે જણાવ્યું કે ત્રણેય વિદ્યાર્થિનીઓને તરવું આવડતું ન હતું અને સ્વિમિંગ પૂલમાં પ્રવેશતા પહેલા તેઓએ પોતાનો મોબાઈલ ફોન રેકોર્ડિંગ માટે ત્યાં રાખ્યો હતો, જેમાં સમગ્ર ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો અને આજે રિસોર્ટના માલિક મનોહર અને મેનેજર ભરતની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત રિસોર્ટનું ‘ટ્રેડ લાયસન્સ’ રદ કરવામાં આવ્યું છે અને તેને ‘બંધ’ કરી દેવામાં આવ્યું છે.
અધિકારીએ જણાવ્યું કે સોમવારે ત્રણેય વિદ્યાર્થીનીઓના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. છોકરીઓની ઓળખ કીર્તિના એન (ઉ.વ. 21), નિશિતા એમડી (ઉ.વ 21) અને પાર્વતી એસ (ઉ.વ 20) તરીકે થઈ છે.