વડોદરાઃ શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા કરજણ પાંજરાપોળમાં 2000 જેટલી ગાયોને કેરીનો તાજો રસ પીરસવામાં આવ્યો હતો. પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લિટર કેરીનો રસ પશુઓને અર્પણ કરાયો છે. ગાયો માટેના પાંજરાપોળના હવાડામાં કેરીના રસના કેરબા ઠાલવવામાં આવ્યો હતો.
શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા દ્વારા કરજણ ખાતે આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવેલી ગાયોને ગુણવત્તાસભર કેરીનો રસ જમાડ્યો છે. આ અંગે વીતેલા 15 દિવસથી અમારી ટીમ તૈયારી કરી રહી હતી. અંતે, તાજેતરમાં સફળતા સાંપડી છે. સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધુ છે, પરંતુ સંસ્થા દ્વારા કેરીનો રસ તાજો જ કઢાવવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા નિઃસહાય વૃદ્ધો માટે રોજ ગરમાગરમ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે. એ રીતે પશુઓ માટે કેરીનો તાજો રસ કાઢી તેમના સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કરાયું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વડોદરાથી ફૂડ ગ્રેડ કેરબા ભરીને 500 કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો. ઉનાળાની ગરમીમાં રસની ઠંડક જળવાઈ રહે એ માટે પીપડામાં બરફ ભરીને લઈ જવામાં આવ્યો હતો. એક કલાકની મુસાફરી બાદ પાંજરાપોળ પહોંચ્યા હતા. ત્યાં મોટી સંખ્યામાં પશુઓને જમાડી શકાય એ રીતનું મોટું ડાઇનિંગ ટેબલ (મોટી ક્યારી) બનાવવામાં આવી છે, જેને સાફ કરીને એમાં રસ ઠાલવવામાં આવ્યો હતો. જેવી ગાયોને છોડવામાં આવી કે તરત જ દોડીને હવાડા પર આવી મજાથી રસ આરોગવામાં લાગી હતી. એક પછી એક ગાયોને રસ આરોગવા માટે છોડવામાં આવી હતી. તેમનો વારો પૂરો થતાં જ અન્ય ગાયોનો વારો આવતો હતો. ઠંડો કેરીનો રસ આરોગીને તેમના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળતો હતો, જે મનને ટાઢક આપે એવો હતો.