વાવાઝોડા બાદ કેરીના ભાવમાં કડાકોઃ હાફુસ કેરીનો ભાવ એક મણના 200થી 400
અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. તેમજ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હાફૂસ કેરીનો ભાવ રૂ. 1100થી ઘટીને 200 થયો છે. આમ ખેડૂતોની આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાના બીજા દિવસે જમીન પર ખરી પડેલી 17130 ટન કેરી વેચવા માટે ખેડૂતોએ એપીએમસી માર્કેટ અને મંડળીઓમાં લાઈન લગાવી હતી. વાવાઝોડા પહેલા જે હાફુસ અને કેસરનો ભાવ ખેડૂતોને 1100 થી 1400 રૂપિયા મણ મળતો હતો. પરંતુ હવે ખેડૂતોને રૂ. 200થી 400 રૂપિયા મળી રહ્યાં છે. સુરત જિલ્લામાં 3063 હેકટરમાં કેરીનો પાક તૈયાર થયો હતો. સુરત એપીએમસી માર્કેટમાં અંદાજિત 8 હજાર ટન કેરી વેચાવા માટે આવી પહોંચી હતી. સુરત જિલ્લામાં રૂ. 1100થી 1400ના ભાવે વેચાતી કેસર કેરી બુધવારે 100 રૂપિયે મણ વેચાઈ હતી.
નવસારી જિલ્લામાં લગભગ 34 હજાર હેકટરમાં પાક તૈયાર થયો હતો. જે પૈકી 40 ટકા કેરીઓ ખેડૂતોએ ઉતારી લીધી હતી પરંતુ બાકીની કેરી પૈકી 40 ટકા કેરીઓ ખરી પડી હતી. આવી જ રીતે 7130 ટન કેરી છેલ્લા 2 દિવસમાં પારડી, ઉદવાડા, ધરમપુર, નાનાપોંઢા, ભીલાડ, વલસાડ સહિતની એપીએમસીમાં ઠલવાઈ છે.