Site icon Revoi.in

કેરીની સિઝન મોડી શરૂ થઈ, ઓછી આવકને કારણે કેરીના ભાવ વધુ રહેવાની શક્યતા

Social Share

અમદાવાદઃ ઉનાળાના પ્રારંભથી જ રાજ્યભરમાં તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ત્યારે ફળોમાં રાજા ગણાતી કેસર કેરીનું આગમન આ વર્ષે મોડુ થશે. આમ તો માર્ચના પ્રથમ સપ્તાહથી જ આફુસથી લઈને કેરીઓનું આગમન બજારોમાં થઈ જતું હોય છે. પણ પ્રતિકૂળ હવામાનને કારણે આ વખતે કેરીનો પાક હજુ બજારમાં આવ્યો નથી. કેસર કેરીના બાગાયતી ખેડુતોના કહેવા મુજબ આ વખતે આંબાઓ પર મોર મોડા આવ્યા હતા. અને કેરીનો પાક પણ ઓછો ઉતરે તેવી શક્યતા છે. એટલે ગત વર્ષ કરતા કેસર કેરીના ભાવ વધુ રહે તેવી શક્યતા છે.

કેરીના જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા મુજબ પ્રતિકૂળ વાતવરણના કારણે સમગ્ર દેશમાં 15 દિવસ મોડી કેરીની સિઝન શરૂ થઇ છે. કેરીની આવક ધીમે પગલે થઇ હોવાથી ભાવમાં વધારો જોવા મળ્યો છે. શહેરના ફ્રૂટ માર્કેટમાં આવેલી કેરીઓનો ભાવ ગત વર્ષ કરતા 30 ટકા જેટલો વધુ છે. જેના કારણે કેરીના ભાવ આસમાને જોવા મળ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે કેરીની આવક શરૂ થતાં ભાવ ઘટશે. દર વર્ષે ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના પહેલા સપ્તાહથી કેરીની આવક શરૂ થઇ જાય છે. આ વર્ષ કેરીની આવક મોડી શરૂ થઇ હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. વેપારીઓના કહેવા પ્રમાણે સમગ્ર દેશમાં વાતવારણ ખરાબ હોવાના કારણે કેરીની સિઝન 15 દિવસ મોટી ચાલી રહી છે. જેના કારણે કેરીની આવક સમયસર ન હોવાથી ભાવમાં વધારો છે. કેરીની આવક ઓછી હોવાના કારણે ગત વર્ષ કરતા 30થી 35 ટકાનો વધારો જોવા મળ્યો છે. હાલમાં સિઝનની રત્નાગીરી હાફૂસ અને કેસરની સાથે કેરલાની હાફૂસ, પાયરી, સુંદરી અને બદામ કેરીની આવક શરૂ થઇ ગઇ છે.