Site icon Revoi.in

મણિપુર: ઉગ્રવાદીઓની ફાયરિંગમાં BSF જવાનનું મોત,બે સૈનિકો ઘાયલ

Social Share

ઇમ્ફાલ:મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યના અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ વચ્ચે સોમવારે રાત્રે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જેમાં એક BSF જવાન શહીદ થયો છે જ્યારે આસામ રાઈફલ્સના બે જવાન ઘાયલ થયા છે. હિંસાને જોતા મણિપુર સરકારે ઈન્ટરનેટ પ્રતિબંધ 10 જૂન સુધી લંબાવ્યો છે. રાજ્યમાં 3 મેથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે.

રાજ્યમાં 3 મેના રોજ બે સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 90 થી વધુ લોકોના મોત થયા છે. તણાવવાળી પરિસ્થિતિને જોતા 11 જિલ્લામાં હજુ પણ કર્ફ્યુ લાગુ છે. મણિપુર સરકાર દ્વારા સોમવારે સાંજે જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ સેવાઓ વધુ પાંચ દિવસ માટે સ્થગિત કરવામાં આવશે એટલે કે 10 જૂનની બપોર  3 વાગ્યા સુધી નેટ પર પ્રતિબંધ રહેશે.

ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બીએસએફના એક જવાનનું મોત થયું છે જ્યારે આસામ રાઈફલ્સના બે જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખરી લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. નિવેદન અનુસાર, આતંકવાદીઓ તરફથી તૂટક તૂટક ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેનો સુરક્ષા દળોએ અસરકારક જવાબ આપ્યો હતો. આ ફાયરિંગમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો.

હિંસા વચ્ચે સેના, આસામ રાઇફલ્સ, પોલીસ અને CAPF દ્વારા શનિવારે સમગ્ર મણિપુરમાં એરિયા ડોનિનેશન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોર્ટાર, દારૂગોળા સહિત 40 હથિયારો મળી આવ્યા હતા. આમાંના મોટાભાગના હથિયારો ઓટોમેટિક હતા. હિંસા બાદ લૂંટાયેલા હથિયારોને પરત મેળવવા માટે ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.