Site icon Revoi.in

મણિપુર હિંસાઃ ન્યાયીક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરાશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહે જાહેરાત કરી કે, મણિપુર હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવશે. આ સાથે હિંસાની છ ઘટનાઓની પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે આ તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. અમિત શાહે પીડિતોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી, જેમાંથી પાંચ લાખ કેન્દ્ર સરકાર અને પાંચ લાખ રાજ્ય સરકાર આપશે.

ગૃહમંત્રીએ લોકોને અપીલ કરી કે જેમની પાસે હથિયારો છે તેઓ પોલીસ પાસે જમા કરાવે. આવતીકાલથી પોલીસ કોમ્બીંગ શરૂ કરશે અને કોમ્બીંગ દરમિયાન હથિયારો સાથે મળી આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજ્યપાલની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની પણ રચના કરવામાં આવશે, જેમાં વિવિધ નાગરિક સંગઠનોના લોકોને પણ સામેલ કરવામાં આવશે.

ગૃહમંત્રીએ કહ્યું કે ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ અને સંયુક્ત નિયામક સ્તરના અધિકારીઓની સાથે અન્ય મંત્રાલયોના અધિકારીઓ પણ મણિપુર પહોંચશે અને લોકોને મદદ કરશે. કેન્દ્ર સરકાર મણિપુરમાં 20 તબીબોની બનેલી તબીબી નિષ્ણાતોની આઠ ટીમો પણ મોકલશે. આ ટીમો હિંસા પ્રભાવિત વિસ્તારોમાં લોકોને મદદ કરશે. પાંચ ટીમો મણિપુર પહોંચી ગઈ છે અને વધુ ત્રણ ટીમો ટૂંક સમયમાં પહોંચશે. શાળાઓ ઓનલાઈન માધ્યમથી ચલાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે અને પરીક્ષાઓ પણ આયોજન મુજબ યોજાશે.

મણિપુરમાં હિંસા ફાટી નીકળતા કરફ્યુ નાખવામાં આવ્યો હતો. દરમિયાન હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું. આ દરમિયાન તેમણે સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત અમિત શાહે રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત અમિત શાહે પીડિત પરિવારની મુલાકાત લઈને સંવાદ કર્યો હતો. બીજી તરફ વિવિધ સમાજના આગેવાનો સાથે મીટીંગ કરીને પરિસ્થિતિને થાળે પાડવા માટે અપીલ કરી હતી.